Wednesday, July 20, 2011

સોશિયલ વર્કરની ડાયરીમાંથી: હેમન્તી દાસ

મિસ્ટર જીની જેમ આ પણ જીપ્સીનો શરૂઆતનો જ કેસ હતો. સવારે જ તેને એરીયા મૅનેજરે તેમની અૉફિસમાં બોલાવ્યો. ટીમ લીડર લિઝ વેબ પણ ત્યાં હાજર હતા. બન્નેનાં ચહેરા પર ચિંતાની રેખાઓ હતી.

“આજે પીટરની ક્લાયન્ટ મિસેસ દાસની કેસ કૉન્ફરન્સ છે. લિઝ અને મારૂં માનવું છે કે આ કેસમાં ‘એશિયન સ્પેશીયાલિસ્ટ સોશિયલ વર્કર’ તરીકે તમારી સલાહ ઘણી અગત્યની નીવડશે. કૉન્ફરન્સમાં જે નિર્ણય લેવાશે તેના પર એક મહિલાનું ભવિતવ્ય આધાર રાખે છે. અહીં Race Relationsનો પણ સંબંધ છે તેથી તમારી સલાહ ઘણી જરૂરી છે.”

તેમણે ટૂંકમાં જે માહિતી આપી તે આ પ્રમાણે હતી.

ક્લાયન્ટનું નામ: હેમંતી દાસ. ઉમર: ૨૨ વર્ષ. પરિણીત. હેમંતીના લગ્ન લંડનમાં વસતા એક ભારતીય કોમના આગેવાન અને પ્રતિષ્ઠીત ગણાતા સદ્ગૃહસ્થ સાથે થયા છે. લગ્ન કરીને અહીં આવ્યા બાદ દોઢ વર્ષે તેને પુત્ર થયો હતો. એક દિવસ તે પોતાના છ-સાત મહિનાના પુત્રને લઇ દક્ષીણ લંડનના ટ્યુબ સ્ટેશન પર ગઇ. પુત્રને પ્લૅટફોર્મ પર એક બાંકડા પર બેઠેલી કેટલીક ભારતીય મહિલાઓ પાસે મૂક્યો અને દૂરથી આવી રહેલી ટ્રેનનો અવાજ સાંભળી તે પ્લૅટફોર્મના છેડા તરફ દોડવા લાગી. સદ્ભાગ્યે સ્ટેશનના એશિયન કર્મચારીને તેની હિલચાલ શંકાસ્પદ લાગી, અને અણીને વખતે તેને બચાવી લીધી. રડતાં રડતાં તેણે કહ્યું ‘મને મરવા દો. મારે હવે જીવવું નથી.’

લિઝ વેબ્સ્ટરે આગળ કહ્યું, “અત્યારે મિસેસ દાસને સેન્ટ ટોમસ હૉસ્પીટલના સિક્યૉર સાયકીઅૅટ્રીક વૉર્ડમાં નિરીક્ષણ માટે રાખવામાં આવી છે. કન્સલ્ટન્ટ સાયકાઅૅટ્રીસ્ટનું માનવું છે કે આ યુવતી acute but delayed post-natal depressionથી પીડાય છે. તેનું વલણ આત્મઘાતી છે. તે પોતાનો જીવ તો લેશે જ, તે ઉપરાંત તેના બાળકના જીવન માટે જોખમકારક હોઇ શકે છે. આ બધાં કારણો જોતાં તેને મેન્ટલ હેલ્થ અૅક્ટની ધારા ૨ મુજબ સાઇકીઅૅટ્રીક વૉર્ડમાં લાંબા ગાળના દર્દી તરીકે દાખલ કરવી જોઇશે. તેના બાળકને તેની દાદી તથા નણંદો પાસે રાખવું એવી વિનંતી તેના પતિએ કરી છે. આજની કેસ કૉન્ફરન્સમાં આ બધી વાતો વિશે નિર્ણય લેવામાં આવશે. મિસ્ટર જીના કેસમાં તમે કરેલા કામ બાદ આપણું ડીપાર્ટમેન્ટ તમારા અભિપ્રાયને મહત્વનું ગણશે.

આજની કેસ કૉન્ફરન્સમાં તમારૂં અહીં બેવડું કામ છે. એક તો એશિયન સ્ત્રીઓમાં આપઘાતની ઘટનાઓ પાછળ કોઇ કલ્ચરલ કારણો હોય છે કે કેમ તે વિશે માહિતી સાથે તમારે અભિપ્રાય આપવાનો છે. બીજું, તમારી નીમણૂંક Race Relations Act મુજબ થયેલી હોવાથી મિસેસ દાસ પ્રત્યે લેવાયેલા નિર્ણયમાં વર્ણભેદ દાખવવામાં આવ્યો નથી તે જોવાનું છે.”

કેસ કૉન્ફરન્સ બે કલાક બાદ હતી. જીપ્સીએ ઉતાવળે જ મિસેસ દાસની ફાઇલ જોઇ. હેમંતીના પતિનું નામ પુરુષોત્તમદાસ હતું તેથી તેની અટક અમારી અૅડમીન પૅટએ ‘દાસ’ લખી હતી. હેમંતીની ઉમર ૨૦ વર્ષની હતી. પતિ ૩૨ વર્ષના. ‘રીફરલ’ મળ્યા બાદ પીટર તેને મળ્યો હતો. હેમંતીને અંગ્રેજી જરા પણ આવડતું નહોતું તેથી તેની નણંદે હેમંતીના દુભાષીયા તરીકે કામ કર્યું હતું. હેમંતીએ ગુજરાતીમાં આપેલા જવાબનું તેની નણંદે અંગ્રેજીમાં આપેલા જવાબના આધારે પીટરે નક્કી કરયું હતું કે તેની ફરી એક વાર મુલાકાત લેવી. નવાઇની વાત એ હતી કે હેમંતીના ‘માનસિક અસંતુલન’ વિશે આ જ નણંદે સોશિયલ સર્વિસીઝને ‘આપઘાત’ના પ્રસંગના બે અઠવાડીયા અગાઉ ફરિયાદ કરી હતી.

દુભાષીયાનો ઉપયોગ કરવા વિશે ચલાવાતા પ્રશિક્ષણમાં ચોક્ખું કહેવામાં આવે છે કે સામાન્ય રીતે આ કામ કરવા માટે કુટુમ્બીજનોનો ઉપયોગ ન કરવો. ઘણી વાર પરિવારને લગતી ખાનગી વાતોને છુપાવવા કુટુમ્બના માણસ સાચો જવાબ આપતા નથી. જે મહિલાએ હેમંતી વિશે પહેલાં ફરિયાદ કરી હતી તેનો જ ઉપયોગ દુભાષિયા તરીકે કરવામાં આવ્યો હોવાથી તેમનો આશય શંકાસ્પદ લાગ્યો. જ્યાં સુધી આ કેસમાં હેમંતી સાથે ‘એશિયન સ્પેશીયાલીસ્ટ સોશિયલ વર્કર’ તરીકે આ બાબતમાં પૂરી તપાસ ન થાય ત્યાં સુધી આખરી નિર્ણય ન લેવો જોઇએ, એવી ભુમિકા સાથે જીપ્સી કેસ કૉન્ફરન્સમાં ગયો.

કેસ કૉન્ફરન્સમાં નિષ્ણાતો તથા પોલીસ અધિકારી હાજર હતા. એક પછી એક નિષ્ણાતે પોતાનો અભિપ્રાય આપ્યો. પોલીસ કૉન્સ્ટેબલે કહ્યું કે હેમંતીએ બાળકના ગજવામાં ચિઠ્ઠી મૂકી હતી, તેમાં તેનાં સાસરિયાનું નામ અને સરનામું લખી બાળકને તેમના ઘેર પહોંચાડવાની ગુજરાતીમાં વિનંતી કરી હતી. હૉસ્પીટલના નિષ્ણાતે તેમણે અગાઉ આપેલ અભિપ્રાય પર ભાર મૂક્યો અને કહ્યું કે ગઇ કાલ સવારથી તેણે કશું ખાવાનો ઇન્કાર કર્યો છે. આ ભુખ હડતાલ તેની 'આત્મઘાતી વૃત્તિ' પુરવાર કરે છે. આવી હાલતમાં તેને લાંબા ગાળાના ઇલાજ માટે ખાસ સાઇકીઅૅટ્રીક (આપણી ભાષામાંં મેન્ટલ) હૉસ્પીટલમાં દાખલ કરવી જોઇએ.

જીપ્સીનો વારો આવ્યો ત્યારે તેણે તેની ભુમિકા રજુ કરી. અત્યાર સુધીમાં હેમંતીની માનસીક હાલતનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું તેમાં કોઇ પ્રોફેશનલ વ્યક્તિએ હેમંતી સાથે સીધી વાત કરી નહોતી. તેને જે કહેવું હતું તેનું ભાષાંતર તેની નણંદે કર્યું હતું. વૉન્ડઝ્વર્થ ટ્યુબ સ્ટેશન પરથી પોલીસ તેને હૉસ્પીટલમાં લઇ ગઇ ત્યારથી તેની સાથે તેની વાત સમજી શકે અને ડૉક્ટર કે પીટરને તેની વાત સમજાવી શકે તેવા તાલિમબદ્ધ ગુજરાતી ભાષી ઇન્ટરપ્રીટરની સેવા તેને મળી નહોતી. આ કારણસર કેસ કૉન્ફરન્સના નિર્ણયો એકતરફી, અનૈતિક તથા કદાચ ગેરકાયદેસરની સુદ્ધાં ગણાય, તેવી રજુઆત કરી. ત્યાર બાદ કૉન્ફરન્સમાં હાજર વ્યક્તિઓને ગુજરાતમાં પરિણીત સ્ત્રીઓના આપઘાત પાછળના સામાજીક કારણ જણાવ્યા. જીપ્સીની વાત સાંભળી કેસ કૉન્ફરન્સના અધ્યક્ષે પોતાનો ફેંસલો જણાવ્યો.

દસ દિવસની અંદર પીટર અને જીપ્સી હેમંતીની મુલાકાત લઇ, તેની પૂરી હાલતનો અહેવાલ તૈયાર કરે. હાલની કેસ કૉન્ફરન્સ બે અઠવાડીયા માટે મોકૂફ રાખવામાં આવે. ફરી યોજાનારી મિટીંગમાં નવા અહેવાલના આધારે નિર્ણય લેવામાં આવે.

બીજા દિવસે પીટર અને જીપ્સી સેન્ટ ટૉમસ હૉસ્પીટલમાં ગયા. સાઇકાએટ્રીક નર્સ તેમને હેમંતી પાસે લઇ ગઇ.
હેમંતીને જોઇ જીપ્સી આશ્ચર્ય પામી ગયો. હેમંતીની માનસિક હાલતનું જે વર્ણન તેની નણંદે કર્યું હતું તેના પરથી અમે ધાર્યું હતું કે વિખરાયેલા વાળ સાથે ઘેલછાભરી હાલતમાં કોઇ સ્ત્રી અમારી પાસે આવશે. અમારી પાસે આવેલી હેમંતી નહાઇ-ધોઇ સ્વચ્છ અને સુઘડ રીતે તૈયાર થયેલી હતી. તેનું મ્હોં સુકાયેલું હતું. હૉસ્પીટલમાં લગભગ બધા જ દર્દીઓ તથા કર્મચારીઓ અંગ્રેજ કે આફ્રીકન-કૅરીબીયન હતા. હેમંતી એકલી ભારતીય પેશન્ટ હતી તેથી તે અત્યંત ગભરાયેલી સ્થિતિમાં હતી. જીપ્સીને જોઇ તેના ચહેરા પર થોડી ખુશી જણાઇ. ત્યાર પછી પીટર અને હેમંતી વચ્ચે થયેલા વાર્તાલાપનું જીપ્સીએ ભાષાંતર કર્યું તે આ પ્રમાણે હતું:

“તમે ગઇ કાલથી ભુખ હડતાલ પર ઉતર્યા છો?”

“જી ના. ગઇ કાલે નિર્જળા એકાદશી હતી. પરમ દિવસે પોલિસ મને અહીં લઇ આવી ત્યારથી કંઇ ખાઇ શકી નહોતી, કારણ કે અહીં બધી સ્ત્રીઓને માંસ-મચ્છી જેવું ભોજન આપ્યું હતું. હું મરજાદી વૈષ્ણવ છું. મારાથી અભડાયેલું ભોજન ન લેવાય. ગઇ કાલે રહેવાયું નહિ તેથી ચ્હાની એક પ્યાલી લીધી હતી, પણ એકાદશીને કારણે કશું ખાધું નહિ. આજે નાસ્તામાં એક સફરજન લીધું છે. તમે ગુજરાતી છો ને? મને અહીંથી છોડાવી મારા બાબા પાસે લઇ જાઓ ને!”

“તમે શા માટે આપઘાત કરવા જતા હતા?”

આનો જવાબ હેમંતીએ આપ્યો તેનો અહીં સારાંશ જ આપીશ.

પુરુષોત્તમદાસ તેમના સંપ્રદાયના ધર્મગુરૂ છે. તેમનાં પહેલાં પત્નિને કોઇ બાળક નહોતું થતું તેથી તેમના બાદ તેમની ગાદી સંભાળવા માટે વારસ જોઇતો હતો. બે વર્ષ પર તેમનું અવસાન થયા બાદ પુરુષોત્તમદાસ ભારત ગયા અને તેમની જ્ઞાતિમાંથી કન્યા શોધવા લાગ્યા. કોઇ કારણસર તેમને કોઇ કન્યા આપવા તૈયાર નહોતું. હેમંતીના પિતા અત્યંત ગરીબ હતા. તેમને કહેવામાં આવ્યું કે લગ્ન બાદ તેમની ત્રણે દિકરીઓ તથા પુત્રની જવાબદારી જમાઇ લેશે. હેમંતીના લગ્નનો અને તેને લંડન લઇ જવાનો બધો ખર્ચ દાસ પરિવાર ઉપાડી લેશે. બન્નેના વયમાં તફાવત હોવા છતાં સમગ્ર પરિવારનો વિચાર કરી હેમંતી લગ્ન માટે તૈયાર થઇ.

લગ્ન બાદ લંડન આવતાં તેને મિસ્ટર દાસની પારિવારીક હાલતનો ખ્યાલ આવ્યો. તેમની બે બહેનો પાંત્રીસીની આસપાસ પહોંચી હોવા છતાં તેમના સ્વભાવને કારણે તેમની સાથે લગ્ન કરવા મુરતીયો મળતો નહોતો. એક પરિણીત બહેન દિવસનો મોટા ભાગનો સમય પીયર ગાળતા હતા. આવા મોટા પરિવારની રસોઇ, વાસણ, કપડાં, સાસુમાની સેવા તથા પતિ માટે પૂજા-અર્ચાની જવાબદારી હેમંતીને માથે આવી. એક વર્ષ બાદ તેને દિકરો થયો તેની ખુશીમાં તેમના સંપ્રદાયના ભક્તોએ મોટી મોટી ભેટ અને ઘરેણાં ‘માતાજી’ને આપ્યા. હેમંતીને તેઓ માતાજી કહેતા હતા, અને પુરુષોત્તમદાસજીને મહારાજ.
બાળક છ મહિનો થતાં દાદીમા અને બધી ફોઇઓએ તેનો કબજો લીધો. હેમંતી ગામડામાંથી આવેલી હોવાથી તેમને ભક્તગણ આગળ લઇ જવામાં નાનમ લાગવા લાગી. સાસરિયાનો ત્રાસ એટલી હદ સુધી વધી ગયો કે હેમંતીએ પતિ પાસે માગણી કરી કે તેને લઇ જુદા રહેવા જાય. કેટલા ‘ભક્તો’ની નજરમાં પણ આ વાત આવી હતી. તેમાંના એક ભક્ત પાસે મોટું મકાન હતું. તેમાં જુદો ફ્લૅટ બનાવી આપ્યો અને મહારાજ તથા માતાજીને ત્યાં પધારવા વિનંતિ કરી. અંતે મહારાજ તૈયાર થયા. જુદા રહેવા ગયા, પણ ઘરમાં હેમંતી વિરૂદ્ધ આક્રોશ થયો. મિસ્ટર દાસ દિવસે કામ પર, સાંજે માને ઘેર અને મોડી રાતે હેમંતી અને બાળક પાસે જતા. વહેલી સવારે કામ પર. હા, ‘એ’ લેવલ્સ સુધી ભણેલા હોવાથી બૅંકમાં પાર્ટટાઇમ નોકરી કરતા હતા અને બાકીનો સમય સંપ્રદાયના વડા તરીકે ગાળતા.

મહારાજ કામ પર જાય ત્યારે બન્ને નણંદો હેમંતીને ઘેર જઇ તેના પર ફિટકાર વરસાવતી. “અમારા પરિવારમાં ભંગ પડાવનારી, તને એવો પાઠ ભણાવીશું કે તારી પાસેથી તારો છોકરો લઇ તને તારા બાપના ઘેર મોકલી આપીશું,” એવી ધમકી અપાવા લાગી.

મોટી નણંદ બ્રિટનના સોશિયલ સર્વિસીઝ ખાતાની સેવાઓથી પૂરી રીતે પરિચિત હતી. તેણે અમારી અૉફિસમાં ફરિયાદ કરી કે તેમની ભાભી ઘેરા ડીપ્રેશનથી પીડાય છે અને તેના બાળકની જીંદગી તેના હાથમાં સલામત નથી. તેની માનસિક હાલતનું ‘એસેસમેન્ટ’ કરવું જોઇએ, અને જો એવું જણાય કે તેની માનસિક હાલત ખરાબ છે, બાળકની દાદીમા અને ફોઇઓ તથા પિતા તેને સારી રીતે સાચવશે. હેમંતીને લાંબા ગાળા માટે સાઇકાએટ્રીક સારવાર આપવામાં આવે, અને જરૂર જણાય તો પરિવાર તેને પોતાના ખર્ચે ભારત પાછી મોકલવા તૈયાર છે.

આ કેસ પીટરને અપાયો. પીટર જમેકાનો આફ્રિકન-કૅરીબીયન હતો. છ ફીટ ઉંચો, કદાવર શરીરનો પીટર જ્યારે હેમંતીને મળવા ગયો અને કહ્યું કે તે સોશિયલ સર્વિસીઝ તરફથી તેની હાલત જોવા ગયો છે, તેને જોઇને હેમંતી ગભરાઇ ગઇ. તેણે આવડતા હતા તે ચાર-પાંચ અંગ્રેજી શબ્દોમાં પીટરને કહ્યું: No English. Gujarati speaking please! પીટરે ટેલીફોન કરી હેમંતીની નણંદને દુભાષિયાનું કામ કરવા બોલાવી. અહીં સૌને ખ્યાલ આવી શકે છે પીટરને કેવા જવાબ મળ્યા હશે.

પીટરે તેને જણાવ્યું: વધુ તપાસ માટે તે બે દિવસ પછી પાછો આવશે. સાથે મેન્ટલ-હેલ્થ સ્પેશીયાલિસ્ટ સોશિયલ વર્કર તથા trained interpreter હશે જેથી તેની હાલત વિશે કોઇ વિચાર કરી શકાય. આનું ભાષાંતર નણંદબાએ કર્યું, “બે દિવસ પછી અમે પાછા આવીશું અને તારા બાબાને લઇ જઇશું. તારી રવાનગી મેન્ટલ હૉસ્પીટલમાં કરાવીશું.”

તેમના ગયા બાદ આખો દિવસ હેમંતીએ રડવામાં કાઢ્યો. સાંજે પતિનો ફોન આવ્યો કે રાતે તેઓ માને ઘેર રહેવાના છે. રાતે તે વિચાર કરવા લાગી કે દેશમાં ખબર પહોંચે કે હેમંતી ગાંડી થઇ છે અને તેને મેન્ટલ હૉસ્પીટલમાં મૂકવામાં આવી છે, તો તેની બહેનો સાથે કોઇ લગ્ન નહિ કરે. આખો પરિવાર બરબાદ થઇ જાય. અંતે તેને થયું કે જો તે આપઘાત કરે તો બધી સમસ્યાનો અંત આવે. સવારે નાહી, બાળકને નવરાવી, દૂધ પાઇ તે તૈયાર થઇ ગઇ. શરીર પરનાં ઘરેણાં ઉતાર્યા અને ઘરધણીની પત્નિને સાચવવા આપ્યા. એક કાગળમાં સાસરિયાનું ગુજરાતીમાં સરનામું લખી, બાબાના સ્વેટરના ખીસામાં મૂક્યું અને વૉન્ડ્ઝવર્થ ટ્યુબ સ્ટેશન પર ગઇ. ત્યાં પ્લૅટફૉર્મના એક બાંકડા પર બેસેલી કેટલીક ગુજરાતી સ્ત્રીઓ પાસે બાબાને મૂકીને કહ્યું, “હું લેડીઝ રૂમમાં’ જઇ આવું છું ત્યાં સુધી આનું ધ્યાન રાખજો,” અને તે પ્લૅટફૉર્મના છેડા તરફ ચાલવા લાગી. ત્યાં તેને સ્ટેશન અૅટન્ડન્ટે બચાવી અને પોલીસને બોલાવી.પોલીસ તેને સેન્ટ ટૉમસ હૉસ્પીટલમાં મોકલી. કાયદા પ્રમાણે તેનું અડતાલીસ કલાકની અંદર અૅસેસમેન્ટ થવું જોઇએ, તેથી આ કેસ કૉન્ફરન્સ તાત્કાલીક ધોરણે બોલાવવામાં આવી હતી.

પીટર આ સંાભળી ચકિત થઇ ગયો. “My God! This could have resulted in such a disaster! I cannot believe that people could go to such low level!” તેણે તરત રજીસ્ટ્રાર સાથે પૂરી વાત કરી. તેને પણ નવાઇ લાગી. બે દિવસ તે હૉસ્પીટલમાં રહી તે દરમિયાન ડ્યુટી ડૉક્ટર, નર્સ તથા અન્ય અૅન્સીલરી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ નિરીક્ષણના રિપોર્ટમાં તેની વર્તણૂંક નૉર્મલ હતી. કેવળ ખાવા-પીવાની બાબતમાં તેણે ફળ સિવાય બીજી કોઇ વસ્તુ લીધી નહોતી. સવાર-સાંજ પ્રાર્થના કરતી હતી, સ્વચ્છતાની બાબતમાં પૂરતી કાળજી રાખતી હતી. આ બધું જોતાં તેણે કન્સલ્ટન્ટ સાયકાઅૅટ્રીસ્ટની રજા લઇ હેમંતીને ડિસ્ચાર્જ કરવાની રજા આપી. આમ પણ કોઇ માનસિક હાલતના પેશન્ટને ૪૮ કલાક કરતાં વધુ રાખવાના હોય તો કોર્ટની રજા લેવી પડે. પીટરે અમારા એરીયા મૅનેજર સાથે વાત કરી અને હેમંતીની વ્યવસ્થા અમારા ખાતાએ માન્ય કરેલ પરિવાર સાથે રહેવાની વ્યવસ્થા કરવામાં આવે તેવું જણાવ્યું. તેમણે મંજુરી આપી.

અમારા સમયમાં એશિયન સોશિયલ વર્કર્સનું અમે મંડળ બનાવ્યું હતું. અમારી પાસે આવતા અસીલો માટે મંડળ તરફથી એક સંસ્થા સ્થાપી હતી: “બાપનું ઘર”. અહીં અમે પોલીસ ખાતા તરફથી clearance મેળવેલા અને પૂરી રીતે ચકાસવામાં આવેલા પરિવારો પાસે ડોમેસ્ટીક વાયોલન્સનો ભોગ બનેલી અમારી અસીલ બહેનોને થોડા સમય માટે રહેવા મોકલતા હતા. આવી વ્યવસ્થા પૂરી પાડનાર પરિવારોને અમારા ડિપાાર્ટમેન્ટ પાસેથી સારી રકમ આપવામાં આવતી. અમે હેમંતીને આવા પરિવાર પાસે રહેવા મોકલી. થોડા દિવસ સાઇકાઅૅટ્રીક નર્સ તેની મુલાકાત લેતી રહી અને જે પરિવાર સાથે રહેતી હતી તેમની પાસેથી તેની દૈનંદિની તથા વર્તણુંકનોે અહેવાલ મેળવતી રહી. પીટર અને હું તેને મળવા બે વાર ગયા હતા.

બીજી વાર થયેલી કેસ કૉન્ફરન્સમાં પીટર તથા મેં રિપોર્ટ આપ્યો. સેન્ટ ટૉમસ હૉસ્પીટલ દ્વારા મોકલવામાં આવેલા લેખિત રિપોર્ટ, હેમંતીની હાજરી તથા તેને પૂછવામાં આવેલા પ્રશ્નોના અપાયેલા જવાબને આધારે એવો નિર્ણય લેવાયો કે હેમંતી માનસિક રીતે પૂર્ણત: સ્વસ્થ છે. તેના તરફથી બાળકને કોઇ ભય નથી અને બાળકને તેની પાસે રહેવા દેવામાં આવે. તે દિવસની મિટીંગમાં દાસમહારાજ પણ હાજર હતા. તેમણે કોઇ વિરોધ દર્શાવ્યો નહિ. તેમણે એટલું જ કહ્યું કે અત્યારે તેમની પાસે જુદા રહેવાની કોઇ વ્યવસ્થા ન હોવાથી મકાન મળે ત્યાં સુધી કાયદા પ્રમાણે હેમંતીની વ્યવસ્થા કાઉન્સીલનું હાઉસીંગ ડિપાર્ટમેન્ટ અને સોશિયલ સર્વિસીઝ કરે! અમે તેની જવાબદારી લીધી.

કેસ કૉન્ફરન્સ પૂરી થઇ. અમને સંતોષ થયો કે એક નિર્દોષ યુવતિને માનસિક અત્યાચાર અને પારિવારીક ષડયંત્રનો ભોગ થતાં બચાવી.

અંતમાં શું થયું તે જાણવું છે?

કાઉન્સીલના હાઉસીંગ ડિપાર્ટમેન્ટ તરફથી એક નવા બ્લૉકમાં હેમંતીને બે બેડરૂમનો ફ્લૅટ મળ્યો. તેની પોતાની કોઇ આવક ન હોવાથી તેનું પૂરૂં ભાડું કાઉન્સિલ આપવા લાગી. દાસમહારાજને અમે પત્ર લખ્યો કે બાળકની સંભાળ માતા રાખે અને જો તેમને કસ્ટડી અંગે કોઇ શંકા હોય તો અમે કોર્ટ પાસે તેવી રજા લેવા તૈયાર છીએ. બીજી તરફ દાસમહારાજના સંપ્રદાયના મુખ્ય ભક્તને જાણ થઇ કે ‘માતાજી’ ફ્લૅટમાં રહેવા ગયા છે, તેમણે ઉંચી જાતનું ફર્નિચર, ફ્રીજ વિગેરેની વ્યવસ્થા કરી આપી. તેમણે દાસમહારાજને વિનંતી કરી કે તેમની ગાદીને વારસ આપનાર માતાજી પાસે રહેવા જવું જોઇએ. બાળકની સારી સંભાળ તેની મા જ લઇ શકે. અંતે પરિવારને છોડી, પુત્રને લઇ તેઓ હેમંતી સાથે રહેવા ગયા.

એક દિવસ કામ પર જવા હું બસ સ્ટૉપ પર ઉભો હતો. અચાનક મારી પાસે એક જૅગુઆર આવીને ઉભી રહી. બારીનો કાચ નીચે ઉતર્યો અને હેમંતીનો સ્મિતભર્યો ચહેરો નજર આવ્યો. દાસમહારાજ ગાડી ચલાવી રહ્યા હતા. તેમનો બાબો પાછલી સીટમાં સિક્યૉર કરેલ બેબીસીટમાં આરામથી ઉંઘી રહ્યો હતો. મને તેમણે રાઇડ આપવાની અૉફર કરી. મેં આભાર સાથે ના કહી. તેમના અને દાસમહારાજના ચહેરા પરના આનંદને જોઇ ખુશી ઉપજી. મારી આંખ થોડી નબળી હતી, તેથી મને એવો આભાસ થયો કે હેમંતીની આંખમાં ઝળઝળીયાં હતા.

આ તેમની સાથેની મારી છેલ્લી મુલાકાત હતી.

2 comments:

  1. એક દિવસ કામ પર જવા હું બસ સ્ટૉપ પર ઉભો હતો. અચાનક મારી પાસે એક જૅગુઆર આવીને ઉભી રહી. બારીનો કાચ નીચે ઉતર્યો અને હેમંતીનો સ્મિતભર્યો ચહેરો નજર આવ્યો. દાસમહારાજ ગાડી ચલાવી રહ્યા હતા. તેમનો બાબો પાછલી સીટમાં સિક્યૉર કરેલ બેબીસીટમાં આરામથી ઉંઘી રહ્યો હતો. મને તેમણે રાઇડ આપવાની અૉફર કરી. મેં આભાર સાથે ના કહી. તેમના અને દાસમહારાજના ચહેરા પરના આનંદને જોઇ ખુશી ઉપજી. મારી આંખ થોડી નબળી હતી, તેથી મને એવો આભાસ થયો કે હેમંતીની આંખમાં ઝળઝળીયાં હતા.

    આ તેમની સાથેની મારી છેલ્લી મુલાકાત હતી.
    Thus ended this Post and the Story of Hemanti Das.
    A nice happy End.And nobody can think about the UGLY PAST. It is sometimes, the Past that tells the "real Truth".
    Gupsy's Role in the case with the understanding of the Indian Language& the Culture and his desire to truely assist Hemanti is the KEY to the PATH of JOY for Hemanti...and the one that SAVED hemanti from the TRAGEDY.
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    Narendrabhai..Thanks for your visits/comments on Chandrapukar !

    ReplyDelete
  2. આવા ગુરૂઓને નમતા સમાજને શું કહેવું?
    તમારા દફ્તરમાં અવનવા કેસો ભરેલા છે! આંખો ખોલી નાંખે તેવા કિસ્સા...

    ReplyDelete