Tuesday, August 16, 2011

સોશિયલ વર્કરની નોંધપોથી: કૉલેજનું છેલ્લું સત્ર

કૉલેજમાં હવે છ મહિના બાકી રહ્યા હતા. તેમાં છેલ્લો પ્રબંધ રજુ કરવાનો હતો અને ત્યાર બાદ ‘અનએસેસ્ડ પ્લેસમેન્ટ’. આ શરૂ કરીએ તે પહેલાં એક બનાવ બની ગયો.
એક વિષયમાં નિબંધ રજુ કરવાનો હતો તેમાં જીપ્સીએ કરેલા બે કે ત્રણ વિધાનોનો સંદર્ભ આપવાનું રહી ગયું હતું. તે વિષયના લેક્ચરર બ્રિટનની હાઇકોર્ટના જજ લૉર્ડ xxxનાં ભત્રીજી હતા. આમ તો તેઓ ‘કૉમોનર’ હોય તેવો આભાસ કરાવતા હતા, પણ તેમની અંતરની ભાવના સૌથી અજાણી હતી. જીપ્સીના નિબંધમાં આ સ્પષ્ટ જણાઇ આવ્યું. જીપ્સીને ‘C’ ગ્રેડ અાપવા ઉપરાંત તેમની ટિપ્પણીમાં તેમણે લખ્યું, “તમારા દેશની શિક્ષણ પદ્ધતિમાં સંદર્ભ વગરનાં વિધાન કરવાનું ભલે ચાલતું હોય, પણ આ દેશમાં અમે તે ચલાવી લેતા નથી. આનું પરિણામ તમને અપાયેલ એસેસમેન્ટમાં જણાઇ આવશે.”
આ આપણી શિક્ષણ પદ્ધતિનું અપમાન હતું. વાત ઉપર સુધી લઇ જતાં પહેલાં જીપ્સીએ તેમને નમ્રતા પૂર્વક પત્ર લખી આ ટિપ્પણીનો ખુલાસો માગ્યો. તેમણે તેની ઉપેક્ષા કરી પંદર દિવસ સુધી જવાબ ન આપ્યો. જીપ્સીએ તેના કોર્સ ડાયરેક્ટર મિસ ક્રિસ્ટીન વાઇગર્સની મુલાકાત લીધી અને લેક્ચરરની ટિપ્પણી તથા જીપ્સીએ તેમને લખેલ પત્ર બતાવ્યા.
“This is just not acceptable,” મિસ વાઇગર્સે કહ્યું. “આ તમારા દેશની શિક્ષણ પદ્ધતિનું વર્ણદ્વેષી સ્વરૂપનું અપમાન છે,” કહી તેમણે અમારા લેક્ચરરને ફોન કરી તેમની અૉફિસમાં તરત આવવા હુકમ કર્યો. તેઓ આવ્યા ત્યારે તેમને તેમણે લખેલી ટિપ્પણી તથા જીપ્સીએ લખેલ પત્ર બતાવી તેની સામે જ ખુલાસો માગ્યો.
“માફ કરશો, કઇ હાલતમાં મારાથી આ લખાઇ ગયું તેનો ખ્યાલ ન રહ્યો. મારો ઉદ્દેશ તમારી શિક્ષણ પદ્ધતિની ઉપેક્ષા કરવાનો કે તેને નીચી દેખાડવાનો નહોતો.”
મિસ વાઇગર્સે જીપ્સીને કહ્યું, “તમે કહેતા હો તો હું લેક્ચરર બહેનને લેખિતમાં તમારી માફી માગવાનો આદેશ આપીશ.”
લેક્ચરર બહેને પણ હકારમાં માથું હલાવ્યું.
“ના, અમારા સંસ્કારમાં અમે શિક્ષક સામે મસ્તક નમાવતા હોઇએ છીએ. તેમની પાસેથી માફી મગાવવાનો અમે સ્વપ્ને પણ વિચાર ન કરીએ. તેમણે અમારી શિક્ષણ પદ્ધતિ પ્રત્યે બતાવેલા પૂર્વગ્રહ વિશે દિલગીરી દર્શાવી એ મારા માટે પૂરતું છે,” કહી જીપ્સીએ તેમની રજા લીધી. આજે પણ મિસ ક્રિસ્ટીન વાઇગર્સની યાદ આવે છે, મસ્તક આપોઆપ ઝુકી જાય છે.
આ અરસામાં અમારા ડાયરેક્ટરે જીપ્સી પાસેથી ભારતીય સમાજની કુટુમ્બ પદ્ધતિ, સમાજના જુદા જુદા ધર્મમાં પણ જણાઇ આવતો સાંસ્કૃતીક સમન્વય અને એકસુત્રતા વિશે સેશનલ લેક્ચર્સ કરાવ્યા. હિંદુ કહો કે મુસલમાન અને ખ્રિસ્તી સમુદાય, ચાર આશ્રમની પદ્ધતિ મહદ્ અંશે બધા સમુદાયોમાં જણાઇ આવે છે, અને તેની અપેક્ષા બાળક, ગૃહસ્થ તથા વડીલ વર્ગ પાસેથી કરવામાં આવે છે તેનું વર્ણન અને ચર્ચા સૌને ગમી. સોશિયલ વર્કમાં આ માહિતીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેની વિશદ ચર્ચા થઇ. અંગ્રેજ વિદ્યાર્થીઓમાં અન્ય ધર્મ વિશે માહિતી નહિવત્ હતી. તેથી તેમને સમજાવવામાં આવ્યું કે ફોસ્ટરીંગમાં કોઇ મુસ્લીમ બાળકને અન્ય મુસ્લીમ પરિવાર સાથે મૂકવાનો હોય તો એ જાણવું જરૂરી હતું કે બાળક ક્યા પંથનું છે અને તેના પાલક માતાપિતા ક્યા પંથના. ઝુલ્ફીકાર અલી ભુટ્ટોના સમયથી અહેમદીયા સમુદાયને ગૈર-મુસ્લીમ ગણવામાં આવ્યા હતા, તેથી અહમદીયા બાળક માટે પ્લેસમેન્ટ શોધવું હોય તો તેના હિતને ખાતર તેની તથા પાલક પરિવારની માન્યતા પહેલેથી જાણી લેવી જોઇએ. બાળકના હિત માટે આ અત્યંત જરૂરી હતું. આવો જ વિચાર શિયા અને સુન્ની બાળકો માટે કરવાની આવશ્યકતા હતી. આ ઉપરાંત ખાસ કરીને પાકિસ્તાનના મુસ્લીમોમાં જ્ઞાતિભેદ ખાસ જોવામાં આવતો હતો. તેમનામાં જાટ (તેમની અટક પણ જાટ શીખની જેમ બાજવા, સહોતા, મિન્હાસ હોય છે, અને રાજપુત, ભટ્ટી, ડોગરા જેવી જ્ઞાતિઓ અસ્તીત્વમાં છે.
સાથી વિદ્યાર્થીઓને નવાઇ તો એ વાતની લાગી કે જાતિ-વિહીન ગણાતા ધર્મોમાં પણ ભારતમાં વસેલા આ ધર્મના લોકો જાતિભેદ પાળતા હોય છે! દાખલા તરીકે ગોવા તથા કેટલાક પ્રાંતોમાં ખ્રિસ્તી થયેલા મૂળ બ્રાહ્મણ ખ્રિસ્તીઓ પોતાને કહેવાતી નીચલી જાતિમાંથી ખ્રિસ્તીઓ કરતાં ઉંચા માની તેમની સાથે રોટી બેટીનો વ્યવહાર નથી રાખતા! યહુદીઓ તથા પારસીઓમાં પણ ઓછા અંશે કેમ ન હોય, જાતિભેદ ચાલે છે. જેમ કે આઠમી સદીમાં ભારત આવેલા યહુદીઓ ખાસ કરીને કેરળની પ્રજા સાથે એટલા ભળી ગયા હતા તેમણે મલયાલમ ભાષાને માતૃભાષા તરીકે સ્વીકારી એટલું જ નહિ, ત્યાંના ભારતીય આચારવિચાર અને પોશાક સુદ્ધાં અપનાવ્યા. બારમી સદીમાં આવેલા ગૌર વર્ણના યહુદીઓ તેમને ‘મલબારી જ્યુ‘ કહેવા લાગ્યા અને પોતાને ‘અશ્કનાઝી’. મલબારી યહુદીઓ તેમને 'બગદાદી' અથવા ‘પરદેસી જ્યુ’ કહી જુદો વાડો કર્યો. તેમની વચ્ચે પણ રોટી બેટીનો વહેવાર નથી! આ પ્રમાણે સૌ પ્રથમ સંજાણ આવેલા પારસીઓ ‘શહેનશાહી’ કહેવાય છે, અને ત્યાર પછી અનેક વર્ષો બાદ આવેલા ‘કાડમી’. જો કે પારસીઓ વચ્ચે અન્ય કોઇ ભેદભાવ નથી હોતો.
કોર્સ પૂરો થયા બાદ પણ જીપ્સીને આ વિષયમાં લેક્ચર આપવા માટેનું આમંત્રણ મળતું રહ્યું. રસપ્રદ વાત એ હતી કે કૉલેજના અન્ય લેક્ચરર પણ આ ‘પાઠ’ સંાભળવા આવતા હતા!
આવતા અંકમાં છેલ્લા પ્રેઝન્ટેશનની અને અંતિમ પ્લેસમેન્ટની વાત!

5 comments:

  1. આજનો લેખ ખુબ જ માહિતિપ્રદ રહ્યો!

    ભારતમાં મોટા થવા છતા બીજા ધર્મ,જ્ઞાતી કે સમ્પ્ર્દાય વિશે આટ્લી ંમાહિતિ નહોતિ!

    “ના, અમારા સંસ્કારમાં અમે શિક્ષક સામે મસ્તક નમાવતા હોઇએ છીએ. તેમની પાસેથી માફી મગાવવાનો અમે સ્વપ્ને પણ વિચાર ન કરીએ. તેમણે અમારી શિક્ષણ પદ્ધતિ પ્રત્યે બતાવેલા પૂર્વગ્રહ વિશે દિલગીરી દર્શાવી એ મારા માટે પૂરતું છે,” કહી જીપ્સીએ તેમની રજા લીધી. આજે પણ મિસ ક્રિસ્ટીન વાઇગર્સની યાદ આવે છે, મસ્તક આપોઆપ ઝુકી જાય છે.

    सदाशिव समारम्भम शन्कराचार्य मध्यमाम,

    अस्मद आचार्य पर्यान्ताम, वन्दे गुरुपरम्पराम.

    ReplyDelete
  2. કોર્સ પૂરો થયા બાદ પણ જીપ્સીને આ વિષયમાં લેક્ચર આપવા માટેનું આમંત્રણ મળતું રહ્યું. રસપ્રદ વાત એ હતી કે કૉલેજના અન્ય લેક્ચરર પણ આ ‘પાઠ’ સંાભળવા આવતા હતા!
    આવતા અંકમાં છેલ્લા પ્રેઝન્ટેશનની અને અંતિમ પ્લેસમેન્ટની વાત! ..............
    Narendrabhai..That's a Tribute to you from the Others !
    Social Study can elevate the Humans to understand other Humans better !
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    Avjo Mara Blog Par !

    ReplyDelete
  3. કોર્સ પૂરો થયા બાદ પણ જીપ્સીને આ વિષયમાં લેક્ચર આપવા માટેનું આમંત્રણ મળતું રહ્યું. રસપ્રદ વાત એ હતી કે કૉલેજના અન્ય લેક્ચરર પણ આ ‘પાઠ’ સંાભળવા આવતા હતા!
    આવતા અંકમાં છેલ્લા પ્રેઝન્ટેશનની અને અંતિમ પ્લેસમેન્ટની વાત! ..............
    Narendrabhai..That's a Tribute to you from the Others !
    Social Study can elevate the Humans to understand other Humans better !
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    Avjo Mara Blog Par !

    ReplyDelete
  4. મારા એક ઉપરી અધિકારી ખ્રિસ્તી હતા, તેમની સાથે મારે ઘરોબો થયો હતો.
    એમનાં પત્ની સાથે મારે આ બાબત ચર્ચા થઈ હતી, અને ત્યારે જ ખબર પડી હતી કે, એમનામાં પણ આ વર્ણભેદ મોજૂદ હતો. તેમના કહેવા મૂજબ એમને તો એમની દિકરીનું લગ્ન ગોઠવવામાં બહુ મુશ્કેલી હતી, કારણકે, તેઓ લુવાણામાંથી ખિસ્તી બનેલા હતા!

    મારા માનવા મૂજબ બધે જ કોઈને કોઈ જાતનો વર્ણ ભેદ હોય જ છે. અમીરી, ખાનદાની ઈતિહાસ વિ. અમેરિકામાં પણ લગ્ન અને સામાજિક સંબંધોમાં મહત્વ ધરાવે છે.

    વર્ગવિહીન સમાજ , એ પ્લેટોનિક પ્રેમ જેવી વાત છે.
    જન્મ સાથે બાળકને કોઈ લેબેલ ન લાગે, તેવો સમાજ ક્યારે બનશે?

    ReplyDelete
  5. કેપ્ટન મસ્કરહંસ કરીને મારા એક કલીગ હતા,જેને અમે સૌ મ્હ્સકી કહીને બોલાવતા. બહુ મઝાના, મળતાવડા અને બાહોશ હતા, છતાં ૩૫ વટાવી ચુક્યા છતાં તેમના લગ્ન થયા ના હતા. કારણ - તેઓ ગોવાના પણ બ્રાંમ્હણ-ક્રિશ્ચિયન હતા - તે વાત મેં જ્યારે મારી ગોઅન ટાઈપિસ્ટ પાસે થી જાણી
    ત્યારે મને પણ ઘણીજ નવાઈ લાગેલ !

    ReplyDelete