Wednesday, September 21, 2011

જિપ્સીનો વિસામો: ઇન્હેં ના ભુલાના....

સ્મૃતીની છીપમાં સુષુપ્તાવસ્થામાં પડી રહેલાં મોતી ગુપ્ત ભંડાર સમા હોય છે. અચાનક આ છીપના હાર્દને એકાદ સ્વર, સૂર કે નાદના ઝંકારની લહેર સ્પર્શ કરી જાય ત્યારે આ છીપ ખુલે છે, અને તેમાંથી નીકળે છે ઝળહળતાં મોતી. આવી જ એક લહેર આવી ગઇ મારા મિત્ર શ્રી તુષારભાઇ ભટ્ટના એક લેખમાં વાંચેલા બે શબ્દોમાંથી: “ખરજનો સ્વર”.
આ શબ્દોએ સ્મૃતીની છીપ ખોલી અને તેમાંથી પ્રશાંત મહાસાગરના ખળખળ કરતા મોજાંઓનો ધ્વનિ સંભળાતો હોય તેવું લાગ્યું. કોણ જાણે કઇ ધરા પરથી કે અદૃષ્ટ પરા-ભૂમિ પરથી ઉતરતા ગંધર્વની પડછંદ તાન અંતર્મને સાંભળી અને શબ્દો નીકળ્યા:
મદ ભરી.....” અને એ ઉત્તાન તાનનું આવર્તન અદ્ભૂત વિશ્વમાં લઇ ગયું તાન પૂરી થતાં ગીતના શબ્દો ‘ઋત જવાન હૈ!’ ગીતની બીજી પંક્તિના અંતમાં ગીતના અંતરાના શબ્દ, ‘ઋતુ જવાન હૈ! ગાલ રંગ ભરે, મન ઉમંગ ભરે! આંખ રસ ટપકાયે, ઋતુ જવાન હૈ..” ગીતના શબ્દે શબ્દમાં યૌવનભરી વનશ્રીનું વર્ણન સાંભળીને ગીતના શબ્દોની જેમ હું પણ સૂરજગતમાં ખોવાઇ ગયો!
હા, આ ગીત અને અવાજ હતા ખરજના અભૂતપૂર્વ ગાયક પંકજ કુમાર મલ્લિકનાં! પોતાની જાતિવંત ઋજુતા અને નમ્રતાએ તેમને કેવળ પંકજ મલ્લિકના નામે ઓળખાવ્યા.
પંકજબાબુનું આ ગીતપહેલી વાર સાંભળ્યું ત્યારે જિપ્સી કેવળ પાંચ કે છ વર્ષનો હતો. તેમના ગીત-અવાજમાં કોણ જાણે કેવી મોહિની હતી, શો જાદુ હતો, મેં પિતાજીને આ ગીત ફરી વગાડવા વિનંતિ કરી. તેમણે HMVના ગ્રામોફોનને ચાવી આપી ગીત ફરી વાર વગાડ્યું. ગીત પૂરૂં થતાં મેં પિતાજીને ‘હજી એક વાર’ વગાડવાનું કહ્યું.

“તને પંકજબાબુનાં બીજા ગીત સંભળાવું. દરેક ગીત સુંદર છે. તને ઘણો આનંદ આવશે,” કહી તેમણે બીજી રેકર્ડ ચઢાવી. મૃદુતા અને ગંભીરતાના અજબ સંમિશ્રણમાં ગવાયેલું બીજું ગીત સાંભળી જિપ્સી અવાક્ થઇ સાંભળતો ગયો! અને ગીતોની હારમાળા શરૂ થઇ ગઇ:

“યહ કૌન આજ આયા સવેરે સવેરે!”
“તેરી દયાસે..”
“પ્રેમકા નાતા ઝૂઠા”

મારૂં હૃદય તો પહેલા ગીતની પહેલી પંક્તિના પહેલા શબ્દ ‘મદભરી’ની તાન સાંભળીને એક વિશાળ ધોધના cascading આવર્તન પર સવાર થઇ જાણે સાતમા આસમાન પર પહોંચી ગયું હતું!

ગીતો પૂરા થયા ત્યારે પિતાજીએ કહ્યું, “આ અવાજના અૉક્ટેવને ખરજ કહેવાય છે. ખરજનો ગાયક ભાવપૂર્ણ ગીતને પંકજબાબુ જેવી તન્મયતાથી ગાય ત્યારે તે ગીત, સંગીત તથા ગાયક, બધા અમર થઇ જાય છે. તેમને સાંભળવા એક અભૂતપૂર્વ લહાવો બની જાય છે.”

પાંચ છ વર્ષના બાળકને આ બધી વાતો શી રીતે સમજાય? હું તો કેવળ મંત્રમુગ્ધ બની સાંભળતો રહ્યો.
બસ ત્યાર પછી તો પંકજબાબુનાં ગીતો ચિત્તમાં કાયમ માટે અંકાઇ ગયા. ઘણી વાર ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે બારી પાસે બેઠો હોઉં ત્યારે નિશ્ચીત અંતરે આવેલા પાટાના જોડાણ પરથી ડબો પસાર થાય ત્યારે તબલાંનો ઠેકો વાગતો હોય તેવું લાગે. ખુલ્લી બારીમાંથી આવતા હવાના મધુર અવાજ અને પાટાના ઠેકામાં પંકજબાબુનું ગીત સંભળાવા લાગ્યું: “ચલે પવનકી ચાલ, જગમેં ચલે પવનકી ચાલ...”

*

વર્ષો વિતતા ગયા. સ્મૃતીપટલ પર પંકજબાબુનાં નવાં ગીતો ઉમેરાતા ગયા અને RAMની છીપમાં કંડારાઇ ગયા. એવી કોઇ હવાની લહેર આવે જેમાં જુની યાદો છુપાયેલી હોય, જેનો સંબંધ સંગીત સાથે હોય, આ છીપ ધીરેથી ખુલવા લાગતી અને તેમાંથી એકાદું ગીત બહાર આવતું. તે પણ પંકજબાબુનું. બસ ત્યારથી મનમાં ઝંખના જાગી, પંકજબાબુને પ્રત્યક્ષ સાંભળવા. ભાવનગરમાં તો એ શક્ય જ નહોતું. બસ, અમારી એમ.જે. કૉમર્સ કૉલેજના ફંક્શનમાં મારા ક્લાસમેટ દેવીપ્રસાદ દવે “સંસારકે આધાર” અથવા કોઇ ‘મોટા’ મહેમાન કૉલેજની મુલાકાતે આવવાના હોય ત્યારે “ઘુંઘરીયા બાજે રૂમઝુમ..” ગાતાં તેમાં મનનું સમાધાન કરી લેતો.

ભાવનગર છોડ્યા બાદ જિપ્સી અમદાવાદ આવીને વસ્યો હતો. ૧૯૫૮ કે ૧૯૫૯ની સાલ હતી. એક દિવસ અચાનક રિલીફ સિનેમાના પગથિયા પર પાટિયું જોયું: “શ્રીયુત પંકજ મલ્લીકના ગીતોના ફક્ત બે કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. ટિકીટ માટે બુકીંગ અૉફિસનો સંપર્ક સાધો.” હું તરત દોડતો ગયો. કમનસીબે બન્ને કાર્યક્રમોની ટિકીટો વેચાઇ ગઇ હતી. ઘણો નિરાશ થયો. મનમાં પ્રાર્થના કરી, “હે ભગવાન! આ જન્મમાં એક વાર તો પંકજબાબુનાં ગીતો સાંભળવાનો લહાવો લેવાનું સદ્ભાગ્ય બક્ષો!”

પ્રભુએ પ્રાર્થના સાંભળી. બે વર્ષ બાદ પંકજબાબુના ખાસ ચાહક - બનતા સુધી અજીતભાઇ અને નિરૂપમાબેન શેઠના ખાસ નિમંત્રણથી પંકજબાબુ અમદાવાદ આવ્યા. એલીસબ્રીજના છેડે આવેલા ટાઉનહૉલમાં તેમના બે કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. મને બન્ને દિવસની ટિકીટો મળી. કાર્યક્રમની રાતે તેમનાં નજીકથી દર્શન કરવાના આશયથી મારા મિત્ર રમણીકભાઇ પુજારાની સાથે સ્ટેજ ડોરની પાસે ઉભો રહ્યો. થોડી વારે એક મોટર આવી અને તેમાંથી છ ફીટ ઉંચા, ભવ્ય આભાથી નિતરતા દિવ્યપુરૂષ અવતરીત થતા હોય તેમ પંકજબાબુ ઉતર્યા. મેં આગળ વધીને તેમને નમીને બંગાળી ઢબથી ચરણસ્પર્શ કરીને બંગાળીમાં જ અભિવાદન કર્યા.
નમસ્કારનો પ્રત્યુત્તર આપી તેમણે પૂછ્યું, “બાંગ્લા પોઢતે પારો તો?” (બંગાળી વાંચતા આવડે છે?)
જી હા! મને બંગાળી વાંચતા આવડે છે.
મારા ખભા પર હાથ મૂકી તેમણે કહ્યું, “આમાર શોંગે ચોલો.” કોઇ પણ કાર્યક્રમમાં પંકજબાબુ એક ગીત પૂરૂં થયા બાદ બીજા ગીતની પ્રથમ પંક્તિ ગાય ત્યારે તેમની સાથે બેસેલા સહકારી તેમની નોટબુકના ઇંડેક્સ પરથી તે ગીતનું પાનું ખોલી આપે. તેઓ પોતે તો હાર્મોનિયમની ધમણ ચલાવતા હોય તેથી ગીતના સૂર-લયમાં વિઘ્ન ન પડે તે માટે આવું કરતા. મને આ કામ માટે તેમણે આજ્ઞા કરી કરી હતી. આ વાતની મને તે વખતે જાણ નહોતી. મેં તેમને નમ્રતાપૂર્વક કહ્યું કે હું મારા મિત્રની સાથે આવ્યો છું. તેમને મૂકીને હું કેવી રીતે આવી શકું? મેં કહેતાં તો કહી દીધું, પણ તેનું મને તત્કાળ દુ:ખ થયું. તેમણે કહ્યું, “કશો વાંધો નહિ. તમે તમારા મિત્ર સાથે જઇ શકો છો.”
મેળાપની આ અદ્ભૂત તક હતી જે હું કોઇ હિસાબે ખોવા તૈયાર નહોતો. મેં તેમને પૂછ્યું, “આપ ક્યાં ઊતર્યા છો? આપને મળવા આવી શકું?”
“જરૂર. અમે હોટેલ રૂપાલીમાં રોકાયા છીએ. કાલે સવારે દસ વાગે આવી શકો છો.”
અમે અમારી બેઠક પર બેસી ગયા.
શરૂઆતમાં કવિગુરૂ રવીંદ્રનાથની એક પ્રાર્થના ગાયા બાદ તેમણે હાર્મોનિયમ પર એક સૂર પકડ્યો, ધમણ ચાલુ રાખીને માઇકમાં કહ્યું, “હવે જે ગીત હું ગાઇ સંભળાવવાનો છું, તેમાં આપ સહુએ જોડાવાનું છે. આ ગીત એકઠા ગાવામાં કેટલો આનંદ છે તે આપ સહુ જરૂર અનુભવશો.”
હવે ધમણ વેગથી હાલવા લાગી અને બચપણમાં પ્રથમ વાર સાંભળેલ અને ત્યાર બાદ શબ્દહીન, અવાજહીન એવી અદૃષ્ટ અને અગમ્ય આકાશગંગામાંથી અવતરતા ઝરણાંની જેમ આવી મારા મનને સંભળાવતું ગીત તે દિવસે અન્ય કોઇને ન દેખાય, પણ મારા અંતર્મનને દેખાતા દિવ્ય પ્રપાતની જેમ સ્ટેજ પર છલક્યું અને આખા ટાઉનહૉલમાં પ્રકાશની જેમ પથરાયું.
“આયી બહાર આજ, આયી બહાર!!!”
સંકોચને કારણે કે કેમ, શ્રોતાઓ તરફથી પ્રતિભાવ ન મળતાં પંકજબાબુ રોકાયા અને ફરીથી બોલ્યા, “ગાઓ, હમારે સાથ ગાઓ!”
હવે શ્રોતાઓ ખીલ્યા અને મુક્ત સ્વરે બધા ગીતના કોરસમાં જોડાયા. ગીત વધતું ગયું. પંકજબાબુ ગાતા ગયા:

“આજ ગુલોંકા બુલબુલસે બ્યાહ, હોને કો હૈ!
આજ થાલોંમેં ચંદન હોને કો હૈ,
આજ પ્યાલોંમેં ઉબટન હોને કો હૈ,
આઓ તરાને છેડે નયે,
આઓ મિલજુલકે ગાને ગાયેં નયે,
આઓ શાદી રચાયેં હમ સબ નયી,
હૈ યે શાદી નયી, આઓ દુનિયા બદલને કા દિન આ ગયા..”
અને અમે શ્રોતાઓ જોડાયા, “લિયે ફૂલોંકે હાર, બહાર આજ.
આયી બહાર!”
અમને કોઇને સમયનું ભાન નહોતું. તે સમયે અમને કોઇને ખ્યાલ ન રહ્યો કે અમદાવાદમાં તો શું, આખા ભારતમાં એક નવો પ્રયોગ જન્મ લઇ રહ્યો હતો. તે હતો સ્ટેજ પર ગાઇ રહેલ મહાન ગાયકની સાથે audience participation નો! અને પ્રયોગના જન્મદાતા હતા શ્રી પંકજ કુમાર મલ્લિક!
ત્યાર પછી તો કાર્યક્રમમાં કંઇ રંગત જામી છે! વાહ! ગીત-મૌક્તિકોનો થાળ ઉછાળતા હોય તેમ પંકજબાબુ એક પછી એક ગીત પ્રસ્તુત કરતા રહ્યા:
પિયા મિલનકો જાના...
યહ કૌન આજ આયા સવેરે સવેરે...
મદભરી, ઋત જવાન હૈ...
આજ અપની મહેનતોં કા..
મહેક રહી રહી ફૂલવારી...
મુઝે ભૂલ જાના, ઇન્હેં ના ભુલાના...

સમય કેવી રીતે વીતી ગયો કોઇને ભાન ન રહ્યું. કયા પ્રકારની મદહોશીમાં ઘેર પહોંચી ગયો તેનો જિપ્સીને ખ્યાન ન રહ્યો.
*
(વધુ આવતા અંકમાં)

8 comments:

  1. ઘ્ણા વખતે આ બધા ગીતોની સફર થઈ..

    તેરે મંદિર કા હું દિપક યાદ આવ્યું.

    `ખરજ` વિશે વધુ માહિતિ આપશો?

    ReplyDelete
  2. v nice ... ભારતીય સંગીત અને કાવ્યની ૠજુતા જ અનોખી છે.. જે હૈયાના ભાવોને બખુબી તાદ્રશ્ય કરે છે ..

    ReplyDelete
  3. અમને કોઇને સમયનું ભાન નહોતું. તે સમયે અમને કોઇને ખ્યાલ ન રહ્યો કે અમદાવાદમાં તો શું, આખા ભારતમાં એક નવો પ્રયોગ જન્મ લઇ રહ્યો હતો. તે હતો સ્ટેજ પર ગાઇ રહેલ મહાન ગાયકની સાથે audience participation નો! અને પ્રયોગના જન્મદાતા હતા શ્રી પંકજ કુમાર મલ્લિક!
    ત્યાર પછી તો કાર્યક્રમમાં કંઇ રંગત જામી છે! વાહ! ગીત-મૌક્તિકોનો થાળ ઉછાળતા હોય તેમ પંકજબાબુ એક પછી એક ગીત પ્રસ્તુત કરતા રહ્યા:
    પિયા મિલનકો જાના...
    યહ કૌન આજ આયા સવેરે સવેરે...
    મદભરી, ઋત જવાન હૈ...
    આજ અપની મહેનતોં કા..
    મહેક રહી રહી ફૂલવારી...
    મુઝે ભૂલ જાના, ઇન્હેં ના ભુલાના...

    સમય કેવી રીતે વીતી ગયો કોઇને ભાન ન રહ્યું. કયા પ્રકારની મદહોશીમાં ઘેર પહોંચી ગયો તેનો જિપ્સીને ખ્યાન ન રહ્યો....
    Narendrabhai..
    So nice of you to tell about Pankaj Kumar Mallik..the Musician & one of the Greatest Singer of India !
    Thanks !
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    I am now going to read the next F/U Post !

    ReplyDelete
  4. @ દિવ્યાબેન,
    સંગીતના મારા અલ્પાતિઅલ્પ જ્ઞાન પ્રમાણે ખરજનો સ્વર પ્રથમ સપ્તકના પહેલા સૂર 'સા' જેને ષડ્જ તરીકે પણ ઓળખાય છે. પ્રથમ સપ્તક એટલે હાર્મોનિયમની પહેલી પટ્ટીથી શરૂ થતા સાત સૂર. સપ્તકને અંગ્રેજીમાં 'Octave' કહે છે. ભગવદ્ગોમંડલ પ્રમાણે 'જાડો, ગંભીર' સૂર! સામાન્ય હાર્મોનિયમમાં સાડા ત્રણથી ચાર સપ્તકની પટ્ટીઓ હોય છે, જો કે કેવળ અસામાન્ય ગાયકો જ સાડાત્રણ સપ્તકની રેન્જ સુધી સૂર ખેંચી શકે છે; દા.ત. લતાજી, સાયગલ સાહેબ, ખાનસાહેબ અબ્દુલ કરીમ ખાન વ.

    @ ચેતનાબહેન, આપના પ્રતિભાવ માટે આભાર. આ લેખના બીજા ભાગની મુલાકાત લેવા માટે ધન્યવાદ.

    @ ડૉ. ચંદ્રવદનભાઇ, આપના પ્રતિભાવ માટે આભાર.

    ReplyDelete
  5. જિપ્સી, તમે તો રડાવી દીધો ! પંકજ મલ્લિકને આટલી કાવ્યમય ભાષામાં યાદ કરીને તમે ખુદ કવિ બની ગયા !! તમારાં વાક્યોમાં નર્યું કાવ્ય છલકતું અનુભવ્યું.
    “અચાનક આ છીપના હાર્દને એકાદ સ્વર, સૂર કે નાદના ઝંકારની લહેર સ્પર્શ કરી જાય ત્યારે આ છીપ ખુલે છે, ”

    “પ્રશાંત મહાસાગરના ખળખળ કરતા મોજાંઓનો ધ્વનિ સંભળાતો હોય તેવું લાગ્યું. કોણ જાણે કઇ ધરા પરથી કે અદૃષ્ટ પરા-ભૂમિ પરથી ઉતરતા ગંધર્વની પડછંદ તાન અંતર્મને સાંભળી”

    “ત્યાર બાદ શબ્દહીન, અવાજહીન એવી અદૃષ્ટ અને અગમ્ય આકાશગંગામાંથી અવતરતા ઝરણાંની જેમ આવી મારા મનને સંભળાવતું ગીત તે દિવસે અન્ય કોઇને ન દેખાય, પણ મારા અંતર્મનને દેખાતા દિવ્ય પ્રપાતની જેમ સ્ટેજ પર છલક્યું અને ...”

    તમારો આ ક્ષેત્ર પર પણ આટલો લગાવ હશે તેની ખબર નહોતી ! ભાવનગર, અમદાવાદ, બંગાળ, રવીન્દ્રસંગીત....અહો, આશ્ચર્યમ્ !

    ReplyDelete
  6. @ જુભાઇ,
    આપનો પ્રતિભાવ વાંચી જિપ્સીની આંખો પણ 'નમ્' થઇ ગઇ! આવા સુંદર શબ્દો આપ જેવા સુજ્ઞ, કવિહૃદય પાસેથી સાંભળવા મળે એ પણ એ લહાવો છે. આભાર!

    ReplyDelete
  7. નરેન્દ્ર ભાઈ
    પંકજ મલિક અને એમનાં ગીત વિશે વાંચ્યું બહુ
    આનંદ થયો.
    પંકજ મલ્લિક બાબત એક પુસ્તક માનનિય 'અજિત શેઠે સંપાદીત કર્યુ છે,

    ગુજર ગયા વહ જમાના
    (પંકજ મલ્લિકનું આત્મકથાત્મક આલેખન)
    પ્રકાશકઃ નિરૂપમા-અજિત શેઠ
    સંગીત ભવન ટ્રસ્ટ
    ઈસ્માઈલ બિલ્ડિંગ, ફલોરા ફાઉન્ટન
    મુંબઈ ૪૦૦ ૦૦૧
    ફોનઃ ૦૨૨-૨૦૪૭૩૯૨
    પંકજ બાબુનાં પ્રશંસકો માટે આ ઉત્મોતમ પુસ્તક છે જે દરેકે વાંચવા જેવું છે.

    મને બહુ જ ગમ્યુ, અને ફરીફરી વાંચ્યું.
    અકબર અલી નરસી
    અખંડ આનંદ માં પ્રગટ થયેલ 'હાથીનું કબરસ્થાન
    એ વખતે વાંચેલ અને અનેક લોકોને વંચાવેલ.

    ReplyDelete
  8. @ શ્રી. અકબરભાઇ, આપના પ્રતિભાવ માટે ઘણો આભાર. 'ઇન્હેં ના ભુલાના' પહેલાં 'અખંડ આનંદ'માં પ્રસિદ્ધ થયેલ, ત્યારે તે સમયના સંપાદક આચાર્યશ્રી દિલાવરસિંહજીએ આ પુસ્તકનો ઉલ્લેખ કરેલ, અને સાથે સાથે લેખના અંતે 'ગુઝર ગયા વો ઝમાના' ગીત પણ આખે આખું ઉતાર્યું હતું. ત્યાર બાદ આ પુસ્તક મંગાવી લીધું હતું અને તેને અમૂલ્ય ગ્રંથ સમજી સંભાળી રાખ્યું છે. આપના પત્ર માટે ફરી આભાર અને યાલી મદદ.

    ReplyDelete