Sunday, December 1, 2013

લંડનની સોશિયલ સર્વિસીઝના અનુભવો

ભારતીય ઉપખંડમાંથી આવેલા સિનિયર સિટીઝન્સની સંસ્થામાં લગભગ બે વર્ષ કાર્ય કર્યા બાદ જિપ્સીને લંડનના પછાત ગણાતા વિસ્તારમાં આવેલી કાઉન્સીલની સોશિયલ સર્વીસીઝ ડિપાર્ટમેન્ટની કચેરીમાં અંગ્રેજ અને ભારતીય ઉપખંડમાંથી આવેલા નાગરિકો સાથે કામ કરવાની તક મળી. તેના caseloadમાં અરધો-અરધ પાકિસ્તાનના મીરપુર જીલ્લામાંથી આવેલા લોકો હતા. ભારત કરતાં પૂર્વ આફ્રિકામાંથી આવેલા લોકોના કેસ વધુ પ્રમાણમાં હતા. અહીં તેને ઘણા રસપ્રદ અનુભવ આવ્યા. 

સોશિયલ સર્વિસીઝમાં જે Professional Qualification લઇને આવેલા ભાઇ બહેનોમાં વર્ણીય સમાનતા વિશે જે સહિષ્ણુતા જોવા મળી તે ખરે જ આશ્ચર્યકારક હતી. સોશિયલ વર્કર્સ, અૉક્યુપેશનલ થેરાપિસ્ટ જેવા કાર્યકરો આપણાં લોકોની સાંસ્કૃતીક બાબતો જાણવા ખાસ પ્રયત્ન કરતા. કોઇ પણ ક્લાયન્ટની મુલાકાત લેતાં પહેલાં આ બાબતમાં બને એટલી માહિતી મેળવવાનો પ્રયત્ન કરતા. 

પાછલા અંકમાં એક વાચકે બ્રિટનમાં વસતા ભારતીય ઉગમની વ્યક્તિઓ તથા પાકિસ્તાનથી ગયેલા નાગરિકો વચ્ચેના સંબંધો વિશે પૃચ્છા કરી હતી. આ અનુસંધાનમાં અહીં એક case study રજુ કરીશું. આ વાત ‘ડાયરી’ના ત્રણે’ક વર્ષ જુના અંકમાં રજુ કરી હતી તે વાચકોને કદાચ યાદ હશે, પણ નવા સાથીઓની જાણ તેની સંક્ષિપ્ત વિગત નીચે આપી છે. ક્લાયન્ટના નામ તથા સ્થાનમાં ફેરફાર કર્યા છે જેથી તેમની ગુપ્તતા જળવાઇ રહે. 

***


૧૯૮૫નું વર્ષ હતું. નોકરી પર હાજર થયો ત્યારે ટીમ ક્લાર્કે પેન્ડીંગ કેસ ફાઇલ્સનો ગઠ્ઠો ટેબલ પર મૂક્યો અને કહ્યું, “છ મહિનાથી આ કેસ-વર્કની ફાઇલો પડી રહી છે. આપણા આ ‘ક્લાયન્ટ્સ’ને અંગ્રેજી આવડતું નથી તેથી ડ્યુટી સોશિયલ વર્કર્સ તેમના માટે સરખી રીતે કામ કરી શક્યા નથી. તમને સમય મળે તે પ્રમાણે બધી જોઇ જજો.”

જિપ્સીએ એક એક કરીને કેસ ફાઇલ જોવાની શરૂઆત કરી. કામની પદ્ધતિ મુજબ પહેલા પાના પર ‘મિનીટ શીટ’ હતું તેમાં ક્લાયન્ટની મૂળભૂત માહિતી અને ત્યાં સુધીમાં તેમના માટે જે કામ કરવામાં આવ્યું હતું તેની ટૂંકી નોંધ હતી. જિપ્સી તેનો અભ્યાસ કરતો હતો તેવામાં તેનાં ટીમ લીડર તેની પાસે આવ્યા અને કહ્યું, “એક મિનીટ મારી અૉફિસમાં આવશો? " 

તેમની રૂમમાં ગયો ત્યારે બારણું બંધ કરી તેમણે પૂછ્યું, "તમને મિસ્ટર જીની ફાઇલ જોવાનો મોકો કદાચ નહી મળ્યો હોય, પણ તેમના ઘરમાં ફાયર અૅક્સીડન્ટ થયો છે. મિસેસ જીની હાલત ગંભીર છે એવું પોલીસે જણાવ્યું છે. ક્લાયન્ટને પૂરતું અંગ્રેજી નથી આવડતું. કામના પહેલા દિવસે તમને deep endમાં ધકેલું છું તેનું મને દુ:ખ છે. તમે ત્યાં જઇને મિસ્ટર જીને બને એટલી મદદ કરશો. કોઇ તકલીફ જણાય તો મને ફોન કરજો. તમારી સહાયતા માટે એક અનુભવી સોશિયલ વર્કરને મોકલીશ.

જિપ્સીએ ઉતાવળે જ મિસ્ટર જીની ફાઇલ જોઇ. તેમની ટૂંકમાં વિગત આ પ્રમાણે હતી: ઉમર ૭૫; આખું નામ “ મિસ્ટર અહેમદજી”. પરિવારમાં પત્નિ અને ૧૬ વર્ષનો પુત્ર. ટીમ ક્લાર્કે “અહેમદજી”ના ‘જી’ને અટક સમજી ફાઇલ પર નામ લખ્યું ‘મિસ્ટર જી’. 

મિસ્ટર જીના ઘેર જતાં જોયું તો તેમના ઘરની બહાર પોલીસની રોવર અને ફાયર બ્રિગેડનો બંબો હતો. પોલિસના એક સાર્જન્ટ અને એક કૉન્સ્ટેબલ બહાર ઉભા હતા. 

“મિસ્ટર જીના ઘરમાં આગ લાગી ત્યારે મિસેસ જી ઘરમાં એકલા હતાં. ઘરમાંથી ધુમાડાના ગોટા નીકળતા જોઇ તેમનાં પાડોશીએ ફાયર બ્રિગેડ બોલાવી. અમને આની તરત સૂચના મળી. અમને અફસોસ છે કે મિસેસ જીનું હૉસ્પીટલ પહોંચતા પહેલાં જ અવસાન થયું. મિસ્ટર જી મસ્જીદમાં હતા અને અમે તેમને હૉસ્પીટલ પહોંચાડ્યા છે. મુશ્કેલી એ છે કે તેઓ અમારી વાત સમજી શકતા નથી અને અમે તેમની વાત. તમે અમારી મદદ કરી શકશો? મિસ્ટર જીને હજી ખબર નથી કે તેમનાં પત્નિનું અવસાન થયું છે. આ દુ:ખદ સમાચાર પણ તમારે તેમને આપવાના છે. મને આશા છે કે તમે આ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી શકશો.” સાર્જન્ટે કહ્યું.

પોલીસની રોવરમાં બેસી અમે હૉસ્પીટલ ગયા. ત્યાં રિસેપ્શન હૉલના ખુણામાં મિસ્ટર જી બેઠા હતા. અમને જોઇ તે ઉભા થયા. છ ફીટ ઉંચા, સફેદ દાઢી-મૂછ, માથા પર નમાઝ પઢતી વખતે પહેરાતી ટોપી અને જાડી ફ્રેમના ચશ્મા પહેરેલા કાકાના ચહેરા પર ચિંતાની લકીર સ્પષ્ટ દેખાતી હતી. જિપ્સીએ તેમને સલામ કહી ઉર્દુમાં વાત શરૂ કરી અને પરિચય આપ્યો કે તે વિસ્તારના ભારતીય ઉપખંડના નાગરિકોને સહાયતા આપવા માટે તેની નિયુક્તિ થઇ છે. તેમણે સલામનો પ્રત્યુત્તર આપી બનાવ વિશે સવાલ કર્યા ત્યારે જીપ્સી ચકરાઇ ગયો: તેઓ મીરપુરી ભાષામાં વાત કરતા હતા!  જો કે કાશ્મીરમાં નોકરી કરી હોવાથી જિપ્સી ગુજ્જર જાતિની ખાનાબદોશ ભરવાડ કોમના સમ્પર્કમાં હતો તેથી થોડા ઘણા ગુજરી શબ્દો જાણતો હતો. તેનું મિશ્રણ ગામઠી પંજાબીમાં કરી જોતાં જણાયું કે મુશ્કેલીથી કેમ ન હોય, પણ તેઓ વાત સમજી શકતા હતા.આમ સૌ પ્રથમ તો પોલિસની કારવાઇ પૂરી કરી અને ત્યાર બાદ તેમને દુ:ખદ સમાચાર આપ્યા. જૈફ વયે પહોંચેલા મિસ્ટર જી હચમચી ગયા. આ એવી ઘડી હતી જ્યાં વય, સ્થાન, ધર્મ, રાષ્ટ્રીયતા - બધું જ વિલય પામ્યું. બચી ગયા હતા કેવળ બે માનવ. મિસ્ટર જી જિપ્સીના ખભા પર માથું મૂકી રડી પડ્યા અને સોશિયલ વર્કર તેમની પીઠ પર હાથ ફેરવતો રહ્યો. અંગ્રેજ પોલિસ સાર્જન્ટથી રહેવાયું નહિ. તેઓ જલદીથી જઇ પાણીનો ગ્લાસ લઇ આવ્યા. થોડી વારે સ્વસ્થ થયા બાદ ચશ્માં ઉતારી, કાચ સાફ કરી, આંખો લૂછી તેમણે કહ્યું, “પટેલ સા’બ, મારા નાના પુત્તર સજ્જાદને ગમે તેમ કરી બોલાવી આપો. માનો એ બહુ વહાલો દિકરો હતો.”

બ્રિટનમાં સ્ટીરીયોટાઇપ અત્યંત સામાન્ય હકીકત છે. ભારતીય ઉપખંડના લોકો પણ તેમાંથી બાકાત નથી. ગુજરાતી માણસ પટેલ જ હોય! તેથી બિન-ગુજરાતી ભારતીય-પાકિસ્તાની આપણા લોકોને પટેલ જ ધારે. મિસ્ટર જીએ મારૂં નામાભિધાન કર્યું તે અમારા સંબંધ વચ્ચે કાયમનું સંબોધન બની ગયું. હૉસ્પીટલના સ્ટાફના સૌજન્યથી મેં તેમનો ટેલિફોન વાપર્યો અને ક્રિકલવૂડની મસ્જીદમાં સ્થપાયેલ “આઝાદ કાશ્મીર એસોસિએશન”ના અગ્રણી સાથે વાત કરી. તેમને વિનંતી કરી કે તેઓ સજ્જાદને પણ લઇ આવે. એકાદ કલાક પછી સજ્જાદ અને તેમની કોમના અગ્રણી મિસ્ટર અક્રમ મલીક આવી પહોંચ્યા. અક્રમ મલીકની વાત કરવાની છટા અને ચહેરા પરના ભાવ જોઇ તરત જણાઇ આવ્યું કે તેમને ભારતીય લોકો પ્રત્યે ખાસ પ્રેમ નથી. “તમે ઇન્ડીયનો અમારા માટે કશું કરી શકવાના નથી. ભલે તમે સોશિયલ વર્કર હશો, પણ જ્યાં સુધી અમારા જેવા કાશ્મિરીઓ પ્રત્યે.....”

જિપ્સીએ તેમની વાત ત્યાં જ કાપી અને કહ્યું, “જુઓ, હું આપણી એશીયન કોમ માટેનો સોશિયલ વર્કર છું. હું કાઉન્સીલની સોશિયલ સર્વીસીઝનો પ્રતિનિધિ છું, અને મિસ્ટર જી મારા માન્યવર બુઝર્ગ છે.  અત્યારે મિસ્ટર જીને રહેઠાણની જરૂર છે, અને તે પૂરી કરવા મારે કાઉન્સીલના ખર્ચે હોટેલમાં રહેવાનો બંદોબસ્ત કરવા જવું પડશે. બાકી ફ્યુનરલ વિગેરેની વ્યવસ્થા કાલે કરીશ, કારણ કે પોસ્ટ મોર્ટમ કાલે થવાનું છે.” કાયદા પ્રમાણે ‘હોમલેસ’ વ્યક્તિને કામચલાઉ રહેઠાણ આપવાની જવાબદારી કાઉન્સીલની હોય છે તે હું જાણતો હતો. અહેમદજીનું ઘર આગને કારણે રહેવા લાયક રહ્યું નહોતું.

મિસ્ટર મલીક થોડા ઝંખવાણા પડી ગયા. “અરે પટેલ, તમે તો નારાજ થઇ ગયા. જુઓ, અહેમદજીનો મોટો દીકરો વાજીદ તેમનાથી જુદો રહે છે. તે તેમને થોડા દિવસ માટે લઇ જશે. ત્યાં સુધીમાં તમારે જે વ્યવસ્થા કરવાી હોય તે કરજો. બાકી રહી ફ્યુનરલની વાત. આ કામ અમારી મસ્જીદ તરફથી કરીશું. આ અમારી કોમનો મામલો છે. બીજી વાતો માટે તમારા ડીપાર્ટમેન્ટ તરફથી જે કરવું હોય તે કરજો."

સમાજ કલ્યાણ વિષયક કાયદાઓથી જિપ્સી જ્ઞાત હતો તેથી અહેમદજીનું કામ ઝડપથી પૂરૂં થયું. તેમને બે દિવસમાં જ ટેમ્પરરી ફ્લૅટ મળી ગયો. ડિપાર્ટમેન્ટ પાસે નાગરિકોની કટોકટી પરિસ્થિતિને પહોંચી વળવા ખાસ રકમ હતી તેમાંથી તેમના રાશન,ગૅસ, વિજળી વિગેરેની બધી વ્યવસ્થાઓ થઇ ગઇ. ત્રણે’ક મહિનામાં કાઉન્સીલે તેમનો ફ્લૅટ રિપૅર કરી આપ્યો. સોશિયલ સર્વિસીઝ તરફથી તેમને નવું ગૅસ કૂકર તથા અન્ય ઉપકરણો આપવામાં આવ્યા. સજ્જાદ સાથે તેઓ પોતાના ઘરમાં રહેવા ગયા ત્યારે જિપ્સીએ તેમનો કેસ ‘ક્લોઝ’ કર્યો. 

આ હતો જિપ્સીના પહેલા દિવસની ડ્યુટીનો પહેલો કેસ! 

મિસ્ટર જીની વાત અહીં પૂરી નથી થતી. 

એક દિવસ અૉફિસમાં તેઓ આવ્યા.

 “પટેલ સા’બ, સજ્જાદ અઢાર વર્ષનો થયો છે. તેણે હવે લગ્ન કરી લેવા જોઇએ એવું મારૂં માનવું છે. મીરપુરમાં મારા નાના ભાઇની દિકરી સાથે તેના લગ્નની વાત થઇ ગઇ છે. જો લગ્ન થઇ જાય તો આ ડોસાની સેવા થશે અને સાથે સાથે અમને સૌને ત્રણ વખતનું ભોજન પણ નિયમીત મળશે. એક મિત્ર તરીકે તમારો અભિપ્રાય માગું છું.”
“જુઓ ચાચા, સજ્જાદ મારો દિકરો હોય તો હું તેનાં લગ્ન આટલી નાની ઉમરમાં ન કરૂં. તેને સારી નોકરી મળે, સ્થિર-સ્થાવર થાય, પોતાની જવાબદારી સમજે ત્યારે તેના લગ્નનો વિચાર કરવો સારો.” સજ્જાદનો શાળાનો અભ્યાસ પૂરો થયો હતો અને તેના દૂરના સગાની દુકાનમાં જુજ પગારે નોકરી કરતો હતો.

અહેમદજી થોડા વિચારમાં પડી ગયા. અંતે મને ‘ખુદા હાફીઝ” કહી ઘેર ગયા. ત્યાર બાદ છ-સાત મહિના તેમની સાથે સમ્પર્ક ન રહ્યો.
એક દિવસ આઝાદ કાશ્મીર એસોસીએશનના મિસ્ટર મલીક જિપ્સીને મળવા આવ્યા. આ વખતે તેઓ અમારા વૉર્ડમાંથી કાઉન્સીલર તરીકે ચૂંટાઇ આવ્યા હતા.
“તમે અમારી કોમ માટે સારૂં કામ કરો છો એવા મને રિપોર્ટ મળ્યા છે. તમારા ડીપાર્ટમેન્ટની સોશિયલ સર્વિસીઝ કમીટીનો હું મેમ્બર છું. ખેર. પેલા અહેમદજી તમને હજી મળે છે કે? તમને ખબર છે કે તેમની બીબી શાહિનબેગમે ખુદકુશી કરી હતી?”
આ વાતની મને તે સમયે જ જાણ થઇ હતી, પણ મેં તેમને જવાબ ન આપ્યો.
“શાહિન બેગમ બહુ ફેશનવાળી હતી. સિનેમા જોવાનું, શૉપીંગ, સારા પોશાક પહેરી, મેક-અપ કરી બહાર જવાનું તેને બહુ ગમતું....”
“મિસ્ટર મલીક, આ બાબતમાં મારાથી કશું કહી કે સાંભળી ન શકાય. આ નિયમ બહારની વાત છે, તેથી માફ કરશો.....”
“ઓ.કે. પણ અમારા કલ્ચર વિશે તમારે જાણવું જોઇએ એટલે આ વાત છેડી. અમારી કોમના ક્લાયન્ટ આવે અને અમારી રીતભાત જાણો તો આઝાદ કાશ્મીરના લોકોની ફૅમિલી ડાયનેમિક્સનો ખ્યાલ આવે.
“મિસ્ટર જી ઘણા ધાર્મિક વૃત્તિના હતા. દરરોજ પાંચ વારની નમાઝ પઢે. જીવનમાં સાદગી હોવી જોઇએ એવી માન્યતા હતી તેથી પત્નીની આવી ફૅશન-પરસ્તી તેમને ગમતી નહોતી. રોજ ઝઘડા થતા અંતે....” કહી મલીક સાહેબ ઘડીયાળ સામે જોઇ ઉભા થયા અને અગત્યની મીટીંગમાં જવાનું છે કહી ચાલ્યા ગયા.

આ વાતને ચાર-પાંચ મહિના થઇ ગયા. એક દિવસ ક્લાયન્ટને મળવા જિપ્સી બહાર નીકળતો હતો ત્યારે તેણે સજ્જાદને રીસેપ્શનમા જોયો. 
“સૉરી એપૉઇન્ટમેન્ટ વગર તમને મળવા આવ્યો છું. તમારા માટે ગિફ્ટ લાવ્યો છું, “ કહી તેણે ચૉકલેટનો ડબ્બો આપ્યો. “મારાં લગ્ન થઇ ગયા છે. એક તકલીફ છે. તમને કહું કે નહિ એવી ગડમથલમાં છું.”
ચૉકલેટનો ડબ્બો મેં અમારી રિસેપ્શનીસ્ટને આપ્યો. અમને મળતી આવી ગિફ્ટ અમે અમારી અૉફિસમાં કામ માટે આવતી બહેનોનાં બાળકોને અાપતા. જિપ્સી  સજ્જાદને ઇન્ટરવ્યૂ રૂમમાં લઇ ગયો.
“શાદી મુબારક, સજ્જાદ. કહે તો, શું વાત છે?”
“મારી પત્ની પરવીન હાઇસ્કૂલ-પાસ છે. તેની મોટી બહેન પણ અહીં જ લંડનમાં છે. તેની દેખાદેખી પરવીન પણ તેની ફૅશન વિગેરેની નકલ કરે છે. આધુનિક યુવતિ છે ને! મને તો તે ગમે છે, પણ ડૅડીને આ ગમતું નથી. એમને મારી મમી સાથે પણ આ જ પ્રૉબ્લેમ હતો. રોજ ઝઘડા થાય છે. શું કરવું તે મને સમજાતું નથી. તેઓ અત્યંત દુ:ખી છે.”
“તારા ડૅડી વારાફરતી તારા મોટા ભાઇ વાજીદ અને તારે ઘેર રહે તો કોઇ ફેર પડે ખરો?”
“વાજીદ મારો ભાઇ નથી. એ તો અમારા ગામના મુખીનો દિકરો છે. અહીં આવવા માટે ડૅડીએ મુખી પાસેથી કરજ લીધું હતું. બદલામાં તેણે શરત કરી હતી કે વાજીદને પોતાના મોટા દીકરા તરીકે નોંધાવી અહીં બોલાવી લેવો. અંતે થયું પણ એવું જ. નામ સિવાય અમારો તેની સાથે કોઇ સંબંધ નથી” 
૧૯૭૦ના દાયકામાં ખાસ કરીને પાકિસ્તાની પરિવારોમાં આવી અનેક બાબતો થઇ હતી. 
“સજ્જાદ, હું તારા ડૅડી સાથે આ બાબતમાં જરૂર વાત કરીશ. જોઇશું કોઇ હલ નીકળે છે કે કેમ..” સજ્જાદ વિલા મોઢે ત્યાંથી નીકળી તો ગયો, પણ આ બાબતમાં કશું થશે તેની તેને ખાતરી નહોતી થઇ. 
બીજા કે ત્રીજા બુધવારે અહેમદજી મળવા આવ્યા. મેં આ વિષયમાં વાત છેડી.
“ક્યા કરૂં પટેલ સા’બ? છોકરી બહુ હેરાન કરે છે. એના બનેવીનો અહીં ખાનગી ટૅક્સીનો બિઝનેસ છે. પરવીનની બહેન મોંઘી કાર ફેરવે છે અને લાહોરથી મંગાવેલા ડિઝાઇનર સલવાર-કમીઝ પહેરે છે. મારી ન્હૂ (વહુ)ને પણ એવા જ ઘરેણાં અને કપડાં, સિનેમા, રૂઝ-લિપસ્ટીક જોઇએ. સજ્જાદ સુપર માર્કેટમાં કૅશિયર છે. એના ટૂંકા પગારમાંથી પરવીનના શોખ કેવી રીતે પૂરા કરૂં? આ ક્લેશ મારાથી જોવાતો નથી. હું વતન પાછો જઉં છું. જીંદગીના છેલ્લા દિવસ મારા ગામ ટોપા મુર્તુઝામાં શાંતિથી ગુજારવાનો નિર્ણય કર્યો છે.”
ટોપા મુર્તુઝા!

***
મારા મગજમાં ‘બ્લીપ્’ થઇ. મારા અંતર્મનની પરતમાં સંગ્રહાયેલી એક યાદ અચાનક બહાર આવી ગઇ. વર્ષો પહેલાં કાશ્મીરમાં લાઇન અૉફ કન્ટ્રોલ પર બજાવેલી ડ્યુટીના દિવસ યાદ આવી ગયા. નજર સામે આવી પેલી રાત, જ્યાં સીમા પાર થતી શાદીની દાવતની રોશનાઇ જોઇ હતી, અને મીરપુરી ગીતોની રેકૉર્ડનાં આછા સૂર હવામાં તરીને અમારી ચોકી સુધી આવતાં સાંભળ્યા હતા. 
“ચચાજાન, તમારાં મર્હુમ બેગમ તાતા પાની ગામનાં તો નહોતાં?”
આશ્ચર્યની નજરે મારી તરફ જોઇ તેમણે મને પુછ્યું, “તમને કેવી રીતે ખબર પડી? શું સજ્જાદે તમને આ વાત કરી હતી? કે પછી મેં જ કો’ક દિવસે તમને કહ્યું હતું?”
ના, મિસ્ટર જી, આ વાત ન તો મને સજ્જાદે નહોતી કહી. વાત કહેનાર હતો મારી આઉટપોસ્ટ બડા ચિનારની નજીકના ગામનો મુખી ગુલામ હૈદર. લગભગ સત્તર-અઢાર વર્ષ પહેલાં. 
“સરહદ પારના તાતા પાની ગામના મુખીની દિકરીનાં લગન ટોપા મર્તુઝાના અહેમદ મલીક સાથે થયેલા લગ્નનો ભોજન સમારંભ હતો. મલીક સાહેબ લંડનમાં રહે છે અને....”

(નોંધ: જીપ્સીના જીવનની આ પ્રસંગકથા અગાઉ અખંડ આનંદમાં પ્રસિદ્ધ થઇ હતી. તેનું આ સંક્ષીપ્તીકરણ છે.) 

5 comments:

  1. આવી પ્રેરણાદાયી સત્ય ઘટનાની વાતો વારંવાર માણવાની ગમે
    જ્યાં વય, સ્થાન, ધર્મ, રાષ્ટ્રીયતા - બધું જ વિલય પામ્યું હોય તેવાઓની અદભૂત વાત!
    બીજી ભાષાઓમા પણ ભાષાંતર કરવું જોઈએ

    પ્રજ્ઞાજુ

    ReplyDelete
  2. આપના પ્રતિભાવ માટે આભાર. આપની સૂચના પર અમલ કરવાનો જરૂર પ્રયત્ન કરીશ.

    ReplyDelete
  3. પ્રિય જિપ્સી,
    ધ્યાન દોરવાનું કે ઉપરોક્ત પ્રસંગમાં આપનો સોશિયલ સર્વિસીઝમાં જોડાયાનો પહેલો પહેલો દિવસ હતો પણ આપે ભારતિય સેનામાં તથા ભારતિય બી.એસ.એફ દરમ્યાન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અનેક પ્રસંગે સામાન્ય પ્રજાને તેમજ આપના હાથ નીચેના લોકોને માટે એક સામજિક કાર્યકરની જેમ ઘણું કામ કર્યું હતું.......

    આપના નવા અંક માટે શુભેછા પાઠવવા સાથે એક વાત જણાવતાં આનંદ થયા છે કે મેં તારીખ ૩૦/૧૦/૨૦૧૩ ના રોજ એક ટીવીનો કે કાર્યકમ જોયો હતો ત્યારે જાણવા મળ્યું કે ભારત સરકારે વર્ષ ૨૦૧૩ ને 'બી.એસ.એફ વર્ષ' તરીકે જાહેર કર્યું છે. આ કાર્યકમ જોતી વખતે આપણે હરેક પળે યાદ કર્યા હતા. કાર્યકમનું નિર્દેશન ખુબજ સુંદર રીતે અને નિષ્પક્ષ રી કરીને બધાજ પાસાઓ તે રજુ કર્યા તેમ મને જણાયું. થોડો સંતોષ એ થયો કે આપ જેવા અનેક અધિકારીઓ અને જવાનોની ભારત માતા પ્રત્યેની નિષ્ઠા અને બલિદાનની વાતો કોઈએ તો લોકો સમક્ષ રજુ કરી! કારણ આજકાલ વાંચન ઓછું થવાથી 'જિપ્સીની ડાયરી' જેવા સંવેદનશીલ પુસ્તકો ખાસ કરીને ઓછા યુવાનો વાંચે છે પણ ટીવીના કાર્યક્રમ સહેલાઇ જોઈ લે છે જેથી મને લાગે છે કે ભારત અને વિદેશમાં ઘણાં લોકોએ આ કાર્યક્રમ માણ્યો હશે. આપને અને આપણા દેશના બી.એસ.એફ દરેક જણ ને અભિનંદન. વર્ષ ૨૦૧૩ ને 'બી.એસ.એફ વર્ષ' માટે ખુબ ખુબ શુભેછા.

    ReplyDelete
  4. નરેન્દ્ર કાણેDecember 2, 2013 at 11:55 PM

    પ્રિય નરેન્દ્ર ભાઈ ,પોસ્ટ વાંચવાની મજા આવી .કલમ નો ફ્લો શબ્દચિત્ર સરસ રીતે ઉભું કરે છે .
    વાર્તા ગમી .
    નરેન્દ્ર કાણે

    ReplyDelete
  5. sir gana divase blog Aavyo Tamara blog vachava nu vyasan Thayu se

    ReplyDelete