Wednesday, April 30, 2014

જિપ્સીના પુસ્તક Full Circle વિશે રોચક માહિતી

“Full Circle” પ્રસિદ્ધ થયાને બે’એક મહિના થયા. આ સમય દરમિયાન જિપ્સીને જે રસિક અનુભવો આવ્યા તે આપની સેવામાં રજુ કરીએ છીએ.

આ પુસ્તક મુખ્યત્વે અમેરિકન, બ્રિટીશ, વેસ્ટ ઇન્ડિયન અને કૅનેડાના અંગ્રેજી ભાષી વાચકોને ધ્યાનમાં રાખીને લખાયું હતું. તેથી જ્યારે તે પેપરબૅકમાં પ્રસિદ્ધ થયું, પ્રકાશકે સૂચવ્યા પ્રમાણે તેની કિંમત આ વાચકસમૂહને પોષાય તેવી $12.99ની રાખી. જિપ્સીના ભારતીય મૂળના વાચકો મુખ્યત્વે ઇન્ટરનેટનો લાભ લેતા હોવાથી પુસ્તકની ઇ-બુકની કિંમત સૌને અનુકૂળ પડે તેવી $4.99ની રાખી. ભારતમાં Flipkart દ્વારા આ પુસ્તક કેવળ અઢીસો રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ડાઉનલોડ કરી શકાય તેવી. આપે જોયું હશે કે Kindle/Nookમાં આ કક્ષાના ઇ-બુક સામાન્ય રીતે $9.99માં વેચાય છે. 
વાચકોને પુસ્તક રસપ્રદ લાગે છે કે નહી તે જોવા માટે પ્રકાશક smashwords.comએ પુસ્તકનાં પ્રથમ નવ પ્રકરણો મફત ડાઉનલોડ કરી શકાય તેવી વ્યવસ્થા કરી. લેખકના  મિત્રો તથા સમીક્ષકો આખું પુસ્તક મફત ડાઉનલોડ કરી તેની સમીક્ષા લખી શકે તે માટે તેમણે કુપનનો નંબર આપ્યો. આ માટે પુસ્તક ડાઉનલોડ કરનાર સમીક્ષકે પુસ્તકને shopping cartમાં મૂકી ચેક-આઉટમાં જવું, અને ત્યાં પહોંચતાં ‘કુપન’ના ખાનામાં કુપનનો નંબર લખવાથી પુસ્તકની કિંમત $૪.૯૯ને બદલે શૂન્ય ડૉલર થઇ આખું પુસ્તક વિનામૂલ્યે ડાઉનલોડ થઇ શકે.

જિપ્સીને જાણીને ઘણો હર્ષ થયો કે પ્રથમ મહિનામાં જ ‘Full Circle’ની ઇ-બુકની લગભગ સો નકલો ડાઉનલોડ થઇ ગઇ! વિગત તપાસતાં જાણવા મળ્યું કે સોમાંથી છ વાચકોએ પુસ્તક ખરીદ્યું હતું, દસ નકલ સમીક્ષક મિત્રોને અપાયેલ ભેટ હતી અને બાકીની ૮૪ નકલ ફ્રી સૅમ્પલ ડાઉનલોડ તરીકે ઉતારી લેવામાં આવી હતી. 

આ વાતથી મનમાં બે પ્રશ્નો ઉદ્ભવ્યા.
શરૂનાં નવ પ્રકરણો વાંચનાર ૮૪ વાચકોને પુસ્તક ન ગમ્યું? કે પછી કોઇ અન્ય કારણોને લીધે તેઓ પુસ્તક ખરીદી શક્યા નહી?
બીજો પ્રશ્ન: એક સમીક્ષક (જેમનો ઉલ્લેખ આગળ જતાં થશે)ને છોડીએ તો શું અન્ય કોઇ સમીક્ષક મિત્રને આ પુસ્તક ન ગમ્યું? કારણ કે તેમાંના કોઇએ પુસ્તકની પહોંચ સુદ્ધાં ન લખી. જિપ્સીના એક વિદ્વાન મિત્ર જેમને તે વર્ષોથી પોતાના ઇષ્ટ બંધુ અને સન્માનનીય વ્યક્તિ માનતો આવ્યો છે તેમણે જવાબમાં લખ્યું, “સમીક્ષા લખવા માટે મારે પાંચ ડૉલર આપી તમારૂં પુસ્તક ખરીદવું પડે તે મને રુચ્યું નહી. વળી મારી અભરાઇમાં પુસ્તકો રાખવાની જગ્યા પણ નથી.”  જિપ્સીએ તેમને નમ્રતાપૂર્વક જણાવ્યું કે તેમને પુસ્તક વિનામૂલ્યે મળે તે માટે કુપનનો નંબર આપ્યો હતો, અને ઇ-બુક હોવાથી અભરાઇની જરૂર ન પડે. સાથે સાથે તેમને એ પણ જણાવ્યું કે જિપ્સીને જોઇતી માહિતી મળી ગઇ છે તેથી સમીક્ષા લખવાની ચિંતા ન કરે. આના જવાબમાં આ ચિંતક મિત્રે જિપ્સીને ચાર પંક્તિઓમાં જીવનનું તત્વજ્ઞાન લખી મોકલ્યું. 

આ વિમાસણમાંથી બહાર આવવા જિપ્સીને તેના મિત્રોએ જ માર્ગ શોધી આપ્યો!

આપણી યાત્રાના એક વરીષ્ઠ સહપ્રવાસીને ‘Full Circle’ એટલું ગમ્યું, પ્રથમ તો તેમણે જિપ્સીને તેની વિસ્તૃત સમીક્ષા લખી મોકલી, અને ત્યાર બાદ પુસ્તકની paperback નકલો Amazon પાસેથી ખરીદી તેમના અમેરિકા તથા ભારતમાં રહેતા ખાસ મિત્રોને સ્વખર્ચે ભેટ તરીકે મોકલી આપી! તેમનું નામ લખી શકાય તેવી રજા માગતાં તેમણે અલબત્ રજા ન આપી અને લખ્યું, “Narenbhai, whatever I did was genuinely out of respect for you and the appreciation of your penmanship! Please do not mention my name.” મને જોઇતો જવાબ મળી ગયો! આનો આનંદ ઓસરે ત્યાં દક્ષીણ ઇંગ્લંડની એક યુનિવર્સીટીનાં લેક્ચરર ડૉ. લિસાએ ફોન કરીને જણાવ્યું કે તેમણે તેમના પરિવારના સદસ્યોને Full Circleની નકલો ખરીદીને ભેટ તરીકે મોકલી. સાથે એ પણ કહ્યું કે “પુસ્તકના Acknowledgementsમાં તમે લખ્યું છે કે, "this could be your story too!” તે અમારી બાબતમાં મને સાચું લાગ્યું. કથાના એક અગ્રગણ્ય પાત્રમાં મને મારા પતિ દેખાયા! એ પણ ડૉક્ટર છે, અને કથાનાયક જેવા જ સ્નેહાળ અને પરગજુ. તમે સર્જેલા પાત્રો સાચા ભુમિપુત્રો લાગે છે. અભિનંદન.”

વ્યક્તિની વિનમ્રતા, વિદ્વત્તા, વિનય અને સંસ્કાર સ્વયં પ્રકાશીત હોય છે. તેમને કોઇના પ્રમાણપત્ર કે પ્રશસ્તિપત્રકની આવશ્યકતા નથી હોતી તેની અનુભૂતિ જિપ્સીને હંમેશા થતી આવી છે.

ત્રીજી વાત: જિપ્સીને આત્મીય અને પરિવારના સભ્ય માનનાર તેના પ્રથમ પ્રકાશક (જેમણે “બાઇ” નું પ્રકાશન કર્યું) તે શ્રી. શિવજીભાઇ આશરે પુસ્તક ડાઉનલોડ કર્યું, વાંચ્યું અને ફોન કરી જણાવ્યું કે આનું ગુજરાતી ભાષાંતર જરૂર પ્રકાશીત કરી શકાય! 

હવે મોટા ભાગના વાચકો, જેમણે કેવળ નવ પ્રકરણ વાંચ્યા છે તેમના માટે આપણા જાણીતા વેબગુર્જરીના સંપાદક શ્રી. જુગલકિશોરભાઇ વ્યાસે શુભ સમાચાર પાઠવ્યા છે. Full Circleનું ગુજરાતી ભાષાંતર ટૂંકમાં જ તેઓ એક સિરિયલ તરીકે વેબગુર્જરીમાં પ્રસિદ્ધ કરશે! 

અંતમાંઃ પુસ્તકનો કેટલોક ભાગ ટ્રિનીડૅડ અૅન્ડ ટોબેગોની પાર્ષ્વભુમિ પર હોવાથી તેની એક નકલ ત્યાંના વડા પ્રધાન શ્રીમતી કમલા પરસાદ-બિસેસ્સરને મોકલી હતી. હાલમાં જ તેમનાં અંગત મંત્રીની ઇમેઇલ મળી. “અમારા વડાપ્રધાનને આપના પુસ્તકની નકલ મળી છે જે માટે તેમણે આપને ધન્યવાદ પાઠવ્યા છે.”

મિત્રો, આ સફળતાનું શ્રેય આપ સહુને જાય છે. જેમણે આ કથાનું અણઘડ કથન "પરિક્રમા"માં વાંચ્યું હતું, અને તેમાં આપે સહુએ જે પ્રોત્સાહન આપ્યું તેના પરિણામે તેનો "પૂર્ણ વર્તૂળ"ના વેશમાં અંગ્રેજીમાં જન્મ થયો! આભાર!
***

આવતા અંકમાં સ્વ. સત્યજીત રાયની પ્રખ્યાત ફિલ્મ “જલસાઘર”નો રસાસ્વાદ કરીશું. ફિલ્મનું સંગીત વિશ્વવિખ્યાત સિતારનવાઝ ખાંસાહેબ વિલાયતખાંએ રચ્યું છે. સંગીતરસિકોને આ ફિલ્મ ગમશે એવી આશા.

Wednesday, April 23, 2014

"મહાનગર"

પરિવારના સદસ્યોના વ્યક્તિત્વમાં, વલણમાં તથા તથા દૃષ્ટિકોણમાં ભિન્નતા હોવાં છતાં તે ભાગ્યે જ સાક્ષાત્કાર પામતાં હોય છે. આ વાતો વ્યક્ત ન થવાનું કારણ સંજોગો, વ્યક્તિગત મૂલ્યો, બલિદાનની ભાવના, સંકોચ, વડીલો પ્રત્યેનો આદર હોય છે. જ્યારે પરિસ્થિતિ વિષમ થાય ત્યારે પરિવારના સભ્યોનાં અસલ વ્યક્તિત્વ, પૌરૂષત્વનો અહંકાર, તથા રૂઢિગત સંકુચિત દૃષ્ટિકોણ એવી સિફતથી ડોકિયાં કરે છે જેને આપ જેવા સુજ્ઞ દર્શક જ જોઇ શકે. માનવીની આવી પરિસ્થિતિ હોવા છતાં તેને સ્વજનના ગુણોના પારસમણીનો સ્પર્શ થતાં તેઓ સુવર્ણમય થાય છે. તેમના પર આત્મિક દિવ્યતાનો પ્રકાશ પડતાં તેઓ તેની અદૃશ્ય એવી શલાકામાંથી ઉર્ધ્વીકરણ પામે છે.  
ફિલ્મ "મહાનગર"ની કથાનાં આ સૂક્ષ્મ મૂલ્યો છે, જે સ્વ. સત્યજીત રાયે સુંદર રીતે પોતાના ચિત્રપટમાં રજુ કર્યા છે. 
 ચિત્રપટની કથાવસ્તુ શ્રી. નરેન્દ્રનાથ મિત્રની લઘુકથા ‘અવતરણિકા’ પરથી લેવામાં આવી છે. વાર્તા આમ તો સામાન્ય લાગે, પણ તેનો ગુઢાર્થ મૂળ કથાના શિર્ષકમાં છે. અવતરણિકાના ઘણા અર્થ થાય છે. અવતરણ એટલે ઉચ્ચ સ્થાનેથી નીચે ઉતરવું; ઉપોદ્ઘાત; પ્રસ્તાવના; સાર વિગેરે. સત્યજીત રાયે કથાનું નામ ભલે બદલ્યું હોય, પણ અંતમાં તેમણે મધ્યમ વર્ગીય પરિવારના જીવનનો સાર સુંદર રીતે દર્શાવ્યો છે. તેમાં છતાં થાય છે પાત્રોનાં આંતરીક સામર્થ્ય, જેના પ્રકાશમાં તેના સાન્નિધ્યમાં આવેલ વ્યક્તિઓ નાહીને પવિત્ર થઇ જાય!
કથા નાયક સુબ્રત મઝુમદાર એક નાનકડી બૅંકમાં કારકૂન છે. તેના પરિવારમાં તેના વૃદ્ધ પિતા - નિવૃત્ત શિક્ષક પ્રિયગોપાલ, માતા સરોજીની દેવી, નાની બહેન બાની, પત્નિ આરતી અને પુત્ર પિન્ટૂ છે. પિતાજી અંગ્રેજીના શિક્ષક હતા, પણ ખાનગી શાળામાં ભણાવતા હોવાથી તેમને પેન્શન મળતું નથી. મા પતિની સેવા કરે છે અને ઘરકામમાં પુત્રવધુ આરતીને મદદ કરે છે. બાની અભ્યાસમાં હોંશિયાર છે, પણ ભાઇના ટૂંકા પગારમાં તે સમયસર ફી નથી ભરી શકતી. પિતાજી તેમનાં ચશ્મા ખોઇ આવ્યા છે તેથી વાંચવામાં અત્યંત તકલીફ અનુભવે છે. અંગ્રેજીના શિક્ષક હતા અને ભાષાનું ઊંડું જ્ઞાન હતું તેથી તેમને શ્રદ્ધા છે કે તે સમયે ટાઇમ્સ અૉફ ઇન્ડીયાના લોકપ્રિય ‘કૉમનસેન્સ ક્રૉસવર્ડ’ને ઉકેલી તેનું મોટું પ્રથમ ઇનામ જીતી જશે, પણ એક એન્ટ્રીની ફીના બે રૂપિયા તેમની પાસે નથી. પત્નિ પાસે માગણી કરે છે. સરોજીનીદેવી પાસે ક્યાંથી પૈસા હોય? નિરાશ વદને પ્રિયગોપાલ નિસાસો નાખી બેસી રહે છે. ચશ્મા નથી તો છાપું વાંચી શકતા નથી. ક્રૉસવર્ડ ભરવામાં મુશ્કેલી નડે છે. તેઓ પુત્રને કહે છે,  “દિકરા, મારા વિદ્યાર્થીઓમાંનો એક કોલકાતામાં મોટો અૉપ્થેલ્મોલોજીસ્ટ છે. તેની પાસે જઇશ તો તે થોડો મારી પાસેથી પૈસા માગશે?”
“ના બાપુજી. આપણે એવું નથી કરવું. આવતા મહિને જરૂર કશી વ્યવસ્થા કરીશું.”

સુબ્રતના ટૂંકા પગારમાં પરિવારનો ગુજારો થતો નથી. બાનીની બે મહિનાની ફી પણ આપવાની બાકી છે. પિન્ટૂ માટે રમકડું પણ નથી લાવી શકતા. શું કરવું તે સમજાતું નથી. એક દિવસ તે આરતીને કહે છે, “તને ખબર છે, મારો એક મિત્ર અને તેની પત્નિ બન્ને નોકરી કરે છે? બે જણા કામ કરે છે તેથી તેમનો સંસાર કેવો સુખેથી ચાલે છે!”
“હું મૅટ્રીક પાસ છું. અમારા જેવી સ્ત્રીઓ માટે કોઇને કોઇ તો નોકરી હશે જ. તમે શોધી કાઢો ને એવી કોઇ નોકરી? થોડી આવક થાય તો આપણો ઘરસંસાર તો સારી રીતે ચાલશે.”
“હા, પણ એક શરતે! હું વધારાનું પાર્ટ ટાઇમ કામ શોધું છું. જ્યારે આ કામ મળે, તારે નોકરી છોડી દેવાની. બોલ, છે કબુલ?”
“હા, કબુલ!”
બનવા જોગ એક કંપનીની જાહેરાત સુબ્રતની નજરમાં આવે છે. ‘જોઇએ છે: અમારા knitting machineનું વેચાણ કરવા ડોર-ટૂ-ડોર સેલ્સ માટે આકર્ષક યુવતિની આવશ્યકતા છે. પગાર દર મહિને સો રૂપિયા.”
સુબ્રત આરતીને અરજી લખી આપે છે, ઇન્ટરવ્યૂ થાય છે અને તેને નોકરી મળી જાય છે. 
“મહિને સો રૂપિયા! વાહ ભાઇ વાહ! તને ખબર છે મને બૅંકમાં નોકરી મળી ત્યારે મને શરૂઆતનો પગાર કેટલો હતો?”  
આરતીની સેલ્સ ટીમમાં બીજી બે બંગાળી સ્ત્રીઓ અને ઇડીથ નામની અૅંગ્લો-ઇન્ડીયન યુવતિ છે. કામ પર હાજર થતી વખતે સુબ્રત તેને રાજીનામાનો પત્ર પણ લખી આપે છે. “આમાં સહી કર, પણ તારીખ લખીશ મા. જે દિવસે મને પાર્ટ ટાઇમ નોકરી મળે, તારે આ રાજીનામામાં તારીખ લખી તારા બૉસને આપીને છુટા થવાનું છે.” આરતી પોતાની પર્સમાં રાજીનામાનો કાગળ મૂકે છે. 
***
આરતીના બૉસ મિસ્ટર ચૅટરજી અૅગ્રેસીવ મૅનેજર છે. તેમને અૅંગ્લો-ઇન્ડીયનો પ્રત્યે ઊંડી દુર્ભાવના છે, તેઓ ઇડીથનો ઉલ્લેખ ‘પેલી ફિરંગી’ કહીને જ કરે છે. સૌ પ્રથમ ઇડીથે મિસ્ટર ચૅટરજી પાસે માગણી કરી: પગાર તો ઠીક છે, પણ દરેક મશીનના વેચાણ પાછળ અમને કમિશન મળવું જોઇએ. ચૅટરજી ગુસ્સે થાય છે અને ઇડીથનું અપમાન કરે છે. ઇડીથ રડી પડે છે. આરતી તેને સમજાવે છે. ત્યારથી બન્ને વચ્ચે બહેનપણાં શરૂ થાય છે. અંતે  ચૅટરજી તેની માગણી કબુલ કરે છે અને સેલ્સગર્લને દરેક મશીનના વેચાણ પાછળ કમીશનનો લાભ આપે છે.
પહેલો પગાર આવતાં આરતી બાની માટે સાડી, સાસુમા માટે તેમના પ્રિય ઝર્દાની ડબી, પિન્ટૂ માટે રમકડું અને પતિ માટે મોંઘી વિલાયતી સિગરેટનો ડબો લાવે છે. સસરાનો ક્રૉસવર્ડ પઝલ ભરવાનો શોખ જાણે છે તેથી દરેક એન્ટ્રીની ફી માટે રૂપિયાની નોટો આપે છે.
“ના વહુ મા. તારી કમાણીના પૈસા મારાથી ન લેવાય,” પ્રિયગોપાલે તેને સ્નેહથી કહ્યું. 
***
ચશ્મા વગર પ્રિયગોપાલ બાબુને ઘણી તકલીફ થાય છે. પુત્રની સલાહને અવગણી તેઓ ભૂતપૂર્વ વિદ્યાર્થી પાસે જાય છે. ડૉક્ટર ભલો માણસ છે. તે નંબર કાઢી આપે છે અને ચશ્માની જોડી પણ ભેટમાં આપે છે. વાત વાતમાં તે માસ્ટર મોશાયને કહે છે, ‘આપના વિદ્યાર્થીઓ તો ઘણા ઉંચા હોદ્દા પર પહોંચ્યા છે. એક તો બૅરીસ્ટર થયો. બીજો પોર્ટ ટ્રસ્ટમાં મોટો અૉફિસર છે, અને ત્રીજો પ્રખ્યાત ડૉક્ટર છે! આ સાંભળી આપ જરૂર ગૌરવ અનુભવશો.”
 અહીં શરૂ થાય છે પ્રિયગોપાલબાબુના મનમાં વિચારોનું દુશ્ચક્ર. ‘મેં આપેલ વિદ્યાને કારણે વિદ્યાર્થીઓએ આટલી પ્રગતિ કરી છે. એકલવ્યની જેમ તેમણે પોતાના ગુરૂ તરફ પોતાનું દાયિત્વ ચૂકવવું જ જોઇએ.’ તેઓ જુના વિદ્યાર્થીઓ પાસે જઇ મદદ માગવાનું શરૂ કરે છે. આમ કરવામાં તેમનું આત્મસન્માન જળવાતું નથી, પણ તેમને તેની ચિંતા નથી. રોજ ઘરમાંથી તેઓ બહાર નીકળી જાય છે. તેઓ ક્યાં જાય છે, શું કરે છે તેની ઘરમાં કોઇને ખબર નથી.
બીજી તરફ આરતી અને ઇડીથની મૈત્રી ઘનીષ્ઠ થાય છે. ‘તું રૂપાળી છે, પણ થોડો મેકઅપ કરીશ તો વધુ દિપી ઉઠીશ. જો, આ લિપસ્ટીક લગાડ. તું સારી દેખાઇશ તો તને પોતાને જ તે ગમશે!”  પતિ જુનવાણી વિચારના છે, તેથી કામ પરથી પાછી આવતાં આરતી લિપસ્ટીક ભુંસી નાખે છે. એક દિવસ આકસ્મિક રીતે સુબ્રતની ધ્યાનમાં આ વાત આવે છે અને પત્નીને ટોકે છે. પતિની નારાજી દૂર કરવા આરતી લિપસ્ટીક ફેંકી દે છે. 
પત્નિના મૂળ વ્યક્તિત્વનો ઓપ તથા તેના વધતા આત્મવિશ્વાસને જોઇ સુબ્રતને પોતાના આત્મસન્માનમાં ઓછપ જણાય છે. તેને પત્નિનો સ્નેહ, મોડે સુધી કામ કરી પૈસા લાવવાની મહેનત, પરિવારની નાની નાની જરૂરિયાતો પૂરી કરવા પાછળની કાળજી - તેના તરફ ધ્યાન નથી જતું. તેને પાર્ટટાઇમ નોકરી મળે કે તરત આરતી નોકરી છોડી દે એ વચનની યાદ હોવાથી તે પાર્ટ ટાઇમ નોકરીની શોધમાં નીકળે છે. આવી હાલતમાં તેનું નસીબ પણ બે ડગલાં આગળ ચાલે છે. તેની બૅંક ફડચામાં જાય છે. સુબ્રત બેકાર થાય છે. તેનું પૌરૂષત્વ ઘવાય છે, પણ કરે શું? 
આરતીના મૅનેજર તેના કામથી ખુશ થઇ તેને પ્રમોશન આપવાનું વિચારે છે અને તેને તે પ્રમાણે જણાવે છે. પતિની નોકરી ગઇ હોવાથી આરતી તેમને વિનવે છે: પ્રમોશન મળે કે ન મળે. મારા કામથી ખુશ છો તો મને પગારમાં પચાસ રૂપિયાનો વધારો આપો. ચૅટરજી કચવાતે મને વધારો આપે છે, પણ આરતીને વધારાનું કામ સોંપે છે. “ઇડીથ બિમાર છે. તેણે કેટલીક એપૉઇન્ટમેન્ટ લઇ રાખી છે, તો તારે તેનું કામ પૂરૂં કરવું પડશે!” હોંશિયાર આરતીએ ઇડીથની બધી એપૉઇન્ટમેન્ટ સાચવી અને મશીનો પણ વેચ્યા! જ્યારે ચૅટરજીએ આરતીએ કરેલા વેચાણનું કમીશન તેને આપ્યું, આરતી તે ઇડીથને આપવા તેના ઘેર ગઇ. ઇડીથ સાચે જ બિમાર હતી. આરતીની પ્રામાણીકતાની તેણે ઘણી કદર કરી.
એક દિવસ સુબ્રત આરતીના મૅનેજર ચૅટરજીને મળવા જાય છે. ક્યાંક નોકરી મેળવી આપવા તેમને વિનંતી કરે છે.   “તમે આવતી કાલે સાંજે પાંચેક વાગે અહીં આવી શકશો? હું તમને મારા મિત્રને ત્યાં લઇ જઇશ. એ તમને જરૂર મદદ કરશે.” 
આવતી કાલનો દિવસ ‘મહાનગર’ના climaxનો સાબિત થાય છે.
તે દિવસે સાજી થયેલી ઇડીથ કામ પર હાજર થાય છે, પણ ચૅટરજી તેને અભદ્ર શબ્દો કહી અપમાનિત કરી નોકરીએથી કાઢી મૂકે છે. ચોધાર આંસુએ રડતી ઇડીથ લેડીઝ કલોકરૂમમમાં જાય છે. આરતી ત્યાં અાવી પહોંચે છે. બહેનપણીનું વગર કારણે થયેલું અપમાન, તેની માંદગીને જુઠાણું કહી નોકરીએથી કાઢી નાખવાની વાત તે સાંખી શકતી નથી. તે સીધી ચૅટરજી પાસે જઇ માગણી કરે છે કે તેમણે ઇડીથની માફી માગવી જોઇએ. ‘હું તેને ઘેર ગઇ હતી. મેં પોતે જોયું છે કે તે સાચે જ બિમાર હતી. તમે કારણ જાણ્યા વગર અપમાન કરી તેને ડિસમિસ કરી છે. તમારે તેની માફી માગવી જ જોઇએ.”
તુમાખી ચૅટરજી ગુસ્સે થઇ જાય છે. માફી માગવાનું તો દૂર, તે આરતીને ધમકી આપે છે: તને પણ નોકરીમાંથી કાઢી મૂકીશ.
“તમે મને શું કાઢવાના છો!” કહી તેણે પર્સમાં રાખેલું રાજીનામું કાઢ્યું અને ચૅટરજીના ટેબલ પર મૂક્યું. “આ રહ્યું મારૂં રાજીનામું. તેમાં આજની તારીખ લખી નાખશો,” કહી તે દાદરો ઉતરી જાય છે. બરાબર તે સમયે સુબ્રત ચૅટરજીને નોકરી અંગે મળવા આવતો હોય છે અને અૉફિસની નીચે પત્નિને મળે છે. આરતી તેને જોઇ રડી પડે છે અને આખી હકીકત જણાવે છે.
“આરતી, મને તારા પર અભિમાન છે. શા માટે, તે કહું? તેં રાજીનામું આપવાની જે હિંમત કરી, એવી હિંમત હું દાખવી ન શક્યો હોત.”
છેલ્લા શૉટમાં આપણે પતિ-પત્નીને ઘર તરફ જતાં જોઇએ છીએ, એક મહાનગરની ગિરદીમાંથી માર્ગ કાઢીને જતાં. આ એવું મહાનગર છે જે અનેક લોકોને પોષે છે. આરતી, સુબ્રત અને તેમનો પરિવાર ક્યાંક ને ક્યાંક તો સમાઇ જશે.    
***
“મહાનગર” ચિત્રપટની કથા આમ તો સામાન્ય લાગે. નીચલા મધ્યમ વર્ગના પરિવારની આ કથા સત્યજીત રાયે ઘણી બારીકાઇથી રજુ કરી છે. પરિવારની નાની નાની વાતો, તેમની જીવન સરણીના નાજુક પાસા, વૃદ્ધ પતિની હાલાકી જોઇ દુ:ખી થતા સરોજીની દેવી, ભાભીના સ્નેહમાં નાહી ઉઠતી બાની, અને સંયુક્ત પરિવારને કોઇ બોજ સમજ્યા વગર તેનું વહન કરનાર સુબ્રત, નોકરી જવાથી પત્નીની આવક પર જીવનાર પતિના આત્મગૌરવનો ક્ષય, માતાની વ્યથા, પિતાએ પોતે જ પોતાના મૂલ્યોનું કરેલ પતન અને આ બધાને સંભાળી લેતી આરતી  - આ પત્રો સત્યજીત રાયે એટલી નાજુકતાથી ચિત્રીત કર્યા છે, જોઇને આપણું હૃદય દ્રવ્યા વગર ન રહે. નાયકના પાત્રમાં અનિલ ચૅટરજીએ સુંદર કામ કર્યું છે. આરતીના પાત્રમાં માધવી મુખરજી શોભી ઉઠે છે. નાજુક વ્યક્તિત્વ ધરાવતી ગૃહિણી જે રીતે તેના મૅનેજર મિસ્ટર ચૅટરજીને દૃઢતાથી કહે છે કે તેણે ઇડીથની માફી માગવી જોઇએ, એ ખરેખર અદ્ભૂત છે. આ સંવાદને ચિત્રપટની ઉમદા ક્ષણ કહી શકાય. નાનકડી વાત એ પણ છે, કે બાનીનું પાત્ર જયા ભાદુરી એ ભજવ્યું છે! 

આ ચિત્રપટને ઘણા આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે અને સત્યજીત રાયની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ગણાય છે. ફિલ્મ જોવા માટે અહીં ક્લિક કરશો.

Sunday, April 13, 2014

"સીમાબદ્ધ"

“મારૂં નામ શ્યામલેન્દુ ચૅટરજી છે; પ્રિયજનો માટે શ્યામલ. મારા પિતાજી પટણામાં શિક્ષક છે. અંગ્રેજી સાહિત્ય સાથે મેં એમ.એ. પ્રથમ વર્ગમાં પહેલા નંબરે પસાર કર્યા બાદ પિતાજીના પગલે શિક્ષક થયો. મારા અંગ્રેજીના પ્રૉફેસરનો હું પ્રિય શિષ્ય હતો. નોકરી મળ્યા બાદ તેમની પુત્રી દોલન સાથે મારાં લગ્ન થયા. 
“એક દિવસ અખબારમાં મેં જાહેરાત જોઇ. “હિંદુસ્થાન પીટર્સ લિમિટેડ” નામની કલકત્તાની એક વિખ્યાત અંગ્રેજ કંપનીને ‘ટ્રેઇની સેલ્સ એક્ઝેક્યુટીવઝ્’ની આવશ્યકતા હતી. િવજળીના પંખા અને લાઇટના બલ્બ બનાવતી દેશની આ સૌથી મોટી કંપની હતી. િશક્ષણ ક્ષેત્રની બહાર અન્ય પણ વિશ્વ હોય છે તે જોવાનું કુતૂહલ હું રોકી શક્યો નહી અને મેં આ જગ્યા માટે અરજી મોકલી. થોડા દિવસ બાદ મને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યો. ઇન્ટરવ્યૂ લેનાર હતા મિસ્ટર ડેવીડસન. અર્ધા કલાકની આ મુલાકાતમાં મારા સેલ્સ વિષયના અનુભવ કે તે અંગેની માહિતી પૂછવાને બદલે તેમણે મારી સાથે અંગ્રેજી સાહિત્ય વિષે ઉંડાણથી ચર્ચા કરી. શેક્સપીયરની કૃતિઓ વિશે ખાસ સવાલ પૂછ્યા. અંતમાં નિરાશ વદને માથું હલાવી તેમણે મને કહ્યું, “આ નોકરીમાં અમે તમને માસિક આઠસો રૂપિયા પગાર આપી શકીશું. તમારો અૅપોઇન્ટમેન્ટ અૉર્ડર ટૂંકમાં મળી જશે.”
“નીમણૂંકનો હુકમ મળતાં હું અને દોલન દિલ્હી ગયા. ટ્રેનીંગ ક્યારે શરૂ થઇ અને દસ વર્ષ કેવી રીતે વિતી ગયા, ખબર પણ ન પડી. કારકિર્દીમાં સફળતા મળી અને કંપનીની હેડ અૉફિસમાં મને સેલ્સ મૅનેજરના પદનું પ્રમોશન મળ્યું. કલકત્તામાં કંપનીએ અમને આધુનિક બહુમાળી કૉમ્પલેક્સમાં છઠ્ઠા માળે વિશાળ ફ્લૅટ આપ્યો. અમારા દસ વર્ષના પુત્રને અમે દાર્જીલીંગની પ્રેસ્ટીજીયસ બોર્ડીંગ સ્કૂલમાં મોકલ્યો. કલકત્તા આવ્યા બાદ બાલીગંજમાં અમે મા-બાબા માટે એક ફ્લૅટ લીધો છે. પટણા છોડી તેઓ હવે કલકત્તા આવી વસ્યા છે.
“સેલ્સ મૅનેજરની નીમણૂંક થયા બાદ પહેલા દિવસે કામ પર હાજર થયો ત્યારે મારા ડિપાર્ટમેન્ટના એક સિનિયર સદસ્યને મારા ખાતાના કર્મચારીઓ સાથે ઓળખાણ કરાવવાનું કામ સોંપ્યું. સૌથી પહેલાં તેમણે મને સલાહ આપી, ‘જુઓ મશાય, હવે તમે સિનિયર મૅનેજર થયા છો. જ્યારે પણ કામ પર આવો, નિમ્ન વર્ગના કોઇ કર્મચારી સાથે આંખ મિલાવવી નહી. લિફ્ટમાં તમારા ખાતાના કર્મચારી હશે, તમને ગુડ મૉર્નીંગ સર વિગેરે કહે તો માથું હલાવી એટલો જ જવાબ આપવો, પણ તેમની સામે જોવું નહી. આમ કરવાથી તેમને તેમના સ્થાનનો અહેસાસ થશે અને તમારી નજીક આવવાનો કે મૈત્રીભાવ જતાવવાનો પ્રયત્ન નહી કરે. તમારો દબદબો કાયમ રહેશે. 
“અમારી હેડ અૉફિસમાં એકસો એંશી માણસો કામ કરે છૈ. પંખા અને બલ્બ બનાવવાના કારખાનામાં બારસો.
“કંપનીની ‘હાયરઆર્કી’માં એમ.ડી.- એટલે મૅનેજીંગ ડાયરેક્ટર, સેલ્સ ડાયરેક્ટર અને ફાઇનાન્સ ડાયરેક્ટર ત્રણે અંગ્રેજ છે. તેમની નીચે બે મૅનેજર્સ: રૂણૂ સેન અને હું. 
“સેલ્સ ડાયરેક્ટર મિસ્ટર ડેવીડસન - જેમણે મને નોકરીએ રાખ્યો હતો, લંડન ગયા છે. તેમને કૅન્સર થયો છે. તેમની પાછા આવવાની શક્યતા ઓછી છે. કંપની વિચાર કરે છે કે સિનિયર મૅનેજમેન્ટમાં અૅડીશનલ ડાયરેક્ટરની નીમણૂંક કરવી. આમ તો રૂણૂ સેન અને હું બન્ને પ્રમોશન માટે લાયક છીએ, પણ રૂણૂ સેન વધુ થનગની રહ્યો છે. શ્રીમંત પરિવારમાં જન્મેલો રૂણૂ ખાનગી શાળા તથા કૉલેજમાં ભણ્યો છે. વાતચીત તથા અંગત વર્તણુંકમાં તેનું અંગ્રેજપણું હંમેશા દેખાઇ આવે. એને ખાતરી છે કે ડાયરેક્ટરની જગ્યા તેને જ મળશે.”
આમ શરૂ થાય છે ચિત્રપટ ‘સીમાબદ્ધ’.  
ફિલ્મ આગળ વધે છે. શ્યામલની સાળી સુદર્શના ઉર્ફે તૂતુલ (શર્મિલા ટાગોર) પટણાથી થોડા દિવસ માટે બહેન-બનેવી પાસે આવી છે.  સત્યજીત રાયે તૂતુલનું પાત્ર ઘણી કલાત્મકતાથી ઉપસાવ્યું છે; એક તરફ તે મહાનગરના ઉંચા સમાજના વિવિધ પાસા જોઇ રહેલી યુવતિ દેખાય છે, પણ દિગ્દર્શક તેના પાત્ર દ્વારા પ્રેક્ષકોને subliminal સંદેશ પાઠવે છે: તૂતુલ શ્યામલનો alter ego છે.
તૂતુલે શ્યામલને આદર્શવાદી વિદ્યાર્થી, શિક્ષક અને કુટુમ્બીજનના રૂપમાં જોયો હતો. દિદી સાથે લગ્ન થતાં પહેલાં તેના પિતાજી પાસે તે આવતો ત્યારે જીવનના મૂલ્યોનાં તથા અંગ્રેજી સાહિત્યનાં વિવિધ પાસાઓની ચર્ચા કરતાં તેને સાંભળ્યો હતો અને તેના પ્રત્યે ભક્તિભાવ જન્મ્યો હતો. કલકત્તામાં તેણે જે શ્યામલદા જોયા, તે સાવ જુદા social milieuમાં વિચરતા હતા. યુવાનીમાં તેમણે કેળવેલા, સેવેલા અને જીવેલા મૂલ્યો હવે ક્યાંક ખોવાયા હોય તેવું લાગ્યું. આની અસર દિદી પર થયેલી જોવા મળી. શિક્ષણપ્રધાન પરિવારમાં જન્મેલી, અભ્યાસમાં હોંશિયાર દિદીએ લગ્ન બાદ શિક્ષણ અધવચ્ચે મૂક્યું હતું. તૂતુલ તેને એક્સટર્નલ વિદ્યાર્થીની તરીકે બી.એ. કરવાનું કહે છે ત્યારે દિદી જવાબ આપે છે, ‘હવે તો ક્લબમાં બહેનપણીઓ સાથે વાતચીતમાં, રસોઇપાણીની વ્યવસ્થા કરવામાંથી સમય ક્યાં મળે છે? રહી અભ્યાસની વાત. આજ કાલ તો મૅગેઝીન સિવાય બીજું કશું વાંચવામાં રસ જ પડતો નથી.’ સમય પસાર કરવા માટે તે અંગ્રેજી નસલનો કૂતરો પાળવાનો પણ વિચાર કરી રહી છે. 
આજના શ્યામલદાની જીવનચર્યામાં સામેલ છે શનિવારે રેસ, રવિવારે ગોલ્ફ રમવા જવું, બાકીના દિવસોમાં કૅબરે, ખાસ વર્ગના સભ્યો માટેના ‘એક્સક્લુઝીવ’ ક્લબમાં સાંજ ગાળવા જવાનું વિગેરે. દોલન નિયમીત રીતે બ્યુટી પાર્લરમાં જાય તે વાત જુદી. શ્યામલ-દોલન તેના આધુનિક જીવનનો પરિચય તૂતુલને કરાવે છે. રૉયલ ટર્ફ ક્લબમાં શ્યામલ તેને કહે છે, “દસ વર્ષ પહેલાં અહીં કેવળ અંગ્રેજોને જ પ્રવેશ મળતો. સ્વાતંત્ર્ય બાદ સામાજીક બૅરીયર નષ્ટ થયા છે, જોયું?” શ્યામલ એ નથી કહેતાો કે હવે કેવળ રંગભેદનું સ્થાન હવે માણસના statusએ લીધું છે. સામાન્ય માણસને તેનું સભ્યપદ ન મળે. અંગ્રેજો ગયા અને તેમનું સ્થાન ‘બ્રાઉન’ સાહેબોએ લીધું છે. આ તો રહી બાજુની વાત.
શ્યામલની કંપનીને સીલીંગ ફૅનનો મોટો એક્સ્પોર્ટ અૉર્ડર મળ્યો છે. અૉર્ડરની શરતો આકરી છે. સાથે ‘પેનલ્ટી ક્લૉઝ’ પણ એટલો જ સખત છે. અૉર્ડર પૂરો કરવામાં એક અઠવાડિયું બાકી છે અને માલના ફિનીશીંગમાં ક્ષતિ હોવાને કારણે માલ રીજેક્ટ થાય છે. ક્ષતિ સુધારવા માટે ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા જોઇએ. મૅનેજીંગ ડાયરેક્ટરથી માંડી બધા ચિંતા ગ્રસ્ત છે. રૂણુ સેન ખુશ છે, કારણ કે આનો હલ કાઢવાની જવાબદારી શ્યામલે લીધી છે અને તેમાં તે નિષ્ફળ જશે એવી તેને ખાતરી છે. હવે તેને ડાયરેક્ટરના પ્રમોશનમાંથી કોઇ રોકી નહી શકે! સૌના આશ્ચર્ય વચ્ચે શ્યામલ આ સમસ્યાનો એવો ઉકેલ કાઢે છે કે કંપનીને જોઇતી મહેતલ મળી જાય છે. ત્રણ અઠવાડિયાનો વધારાનો સમય મળે છે, અને કંપની જોઇતી ક્વૉલિટીનો માલ ઇરાક મોકલી શકે છે. શ્યામલને ડાયરેક્ટર બનાવવામાં આવે છે.
શ્યામલે આ કામ કેવી રીતે પૂરૂં કર્યું તે જાણીને તૂતુલનું હૃદય વિદીર્ણ થઇ જાય છે.
શ્યામલે કૉન્ટ્રેક્ટની શરતોનો ઊંડો અભ્યાસ કર્યો. તેમાંની એક કલમ પ્રમાણે ધરતીકંપ કે પૂર જેવી કુદરતી આપત્તિને કારણે કારખાનાની મશીનરીમાં નુકસાન થાય અથવા કામદારોની હડતાલના કારણે કારખાનું બંધ પડે તો અૉર્ડર પૂરો કરવામાં વધારાનો સમય આપી શકાય. શ્યામલને અંદરખાનેથી ખબર મળી હતી કે કંપનીની કૅન્ટીનમાં મળતા ભોજન અંગે કામદારોમાં થોડો અસંતોષ હતો. ભોજનમાં માછલીનું પ્રમાણ એક વાર ઓછું થતાં કામદારો ઉશ્કેરાઇ ગયા હતા. આ મુદ્દાને ધ્યાન લઇ શ્યામલે કંપનીના પરસનેલ મૅનેજર શ્રી. તાલુકદાર સાથે સાઠગાંઠ કરી કાવત્રું રચ્યું. તેમણે જાણી જોઇને ભોજનમાંથી માછલીનું પ્રમાણ ઘટાડ્યું - અને ઘટાડતા ગયા. સતત ચોથા દિવસે પણ માછલીનું પ્રમાણ અસંતોષકારક થયેલું જોઇ કામદારો હડતાલ પર ઉતરી ગયા. તેમણે કારખાના પર ભારે પત્થરમારો કર્યો, જેમાં કંપનીનો ચોકીદાર બૂરી રીતે ઘાયલ થયો. તેની એક આંખ ગઇ, શ્યામલને તેની પરવા નહોતી. તેનો ઉદ્દેશ હડતાલ પડાવવાનો હતો. કારખાનું બંધ પડ્યું અને જોઇતી મુદત મળી ગઇ. કંપની ભારે ખોટમાંથી બચી ગઇ એટલું જ નહી, તેને મોટો નફો થયો. શ્યામલને અૅડીશનલ ડાયરેક્ટરનું પ્રમોશન મળી ગયું. તેને એ વાતનો અહેસાસ નથી કે પ્રમોશન મેળવવા માટે તેણે કરેલ પેંતરાબાજીમાં એક નિષ્પાપ અને વફાદાર ચોકીદાર જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યો હતો.
અભિનંદનોના વરસાદમાં ભીંજાતો શ્યામલ ઘેર આવે છે. લિફ્ટ આજે પણ બંધ છે. છઠા માળે પહોંચવા માટે તેને દાદરાઓ ચઢવા પડે છે. આ શૉટમાં સત્યજીત રાયે શ્યામલને દરેક દાદરાનું પ્રત્યેક પગથિયું ચઢતો દેખાડ્યો છે. મહત્વાકાંક્ષા પ્રાપ્ત કરવા તેને આદર્શોના અને મૂલ્યોનાં કેટલા દાદરા અને પગથિયાં પર પગ મૂકીને ઉપર ચઢવું પડ્યું છે, કેટલો શ્રમ કરવો પડ્યો છે તેનું આ નિરૂપણ છે.
બીજા દિવસના દૃશ્યમાં આપણે જોઇએ છીએ કે શ્યામલ તેના ફ્લૅટના હૉલમાં જાય છે. તૂતુલ ત્યાં બેઠી છે. જીજાજી સામે એક તુચ્છભાવથી જુએ છે, પણ તેની સાથે શ્યામલ નજર મિલાવી શકતો નથી અને સ્તબ્ધ થઇ બેસી રહે છે. તૂતુલ ત્યાંથી ઉઠીને પોતાના કમરામાં ચાલી જાય છે. જાણે શ્યામલનું ઝમીર તેને છોડી ગયું અને તેનું પામર કલેવર હૉલમાં ફસડાઇ પડ્યું છે. આનો અચાનક અહેસાસ થતાં તેનું મસ્તક એક શરમ, પશ્ચાત્તાપ અને અક્ષમ્ય ગુનાના ભારથી ઝુકી જાય છે. બન્ને હાથમાં તે માથું ટેકવી જમીન તરફ જુએ છે. જાણે કહેતો હોય, ‘ધરતીમા, મારગ આપ!’ આ સમયે તેની સાથે કોઇ નથી. નથી તૂતુલ, નથી દોલન. મા અને બાબાને તો તેણે ક્યારના અલગ કર્યા છે. તેના પાપમાં આજે કોઇ ભાગીદાર નથી. આ freeze shotમાં ચલચિત્ર પૂરૂં થાય છે. 
 ‘શંકર’ના ઉપનામથી જાણીતા લેખક મણી શંકર મુખરજીએ ઘણી નવલકથાઓ લખી છે. તેમાંની ત્રણ ‘પ્રતિદ્વંદ્વી’, ‘જન અરણ્ય’ અને ‘કંપની લિમિટેડ’ નવલકથાઓ પર શ્રી. સત્યજીત રાયે ફિલ્મ બનાવી, જે ‘Calcutta Trilogy’ નામે પ્રખ્યાત છે.
સત્યજીત રાયના દિગ્દર્શનમાં તેમની નજરમાં આવેલી સમાજની કેટલીક નાજુક બાબતો, માનવ વ્યવહારના મુલાયમ પાસાઓનું નિરીક્ષણ આ ચિત્રપટમાં માર્મિકતાપૂર્વક રજુ કર્યા છે. દાખલા તરીકે, શ્યામલે કંપનીના કારખાનામાં નોકરી અપાવેલ તેના ગરીબ સગાનો યુવાન પુત્ર મિઠાઇ લઇને શ્યામલને ઘેર જાય છે. શ્યામલ તેને બેસવાનું કહે છે. શ્યામલનો હોદ્દો તથા તેના ઘરની ભવ્યતાથી અંજાયેલો આ યુવાન સોફાના એક ખુણામાં એટલો સંકોચાઇને બેસે છે, જે અનુભવી પ્રેક્ષકની નજરમાંથી છૂટી ન શકે. આવો જ એક અન્ય પ્રસંગ છે. શ્યામલે તેની અૉફિસના મૅનેજરોને કૉકટેલ્સ માટે બોલાવ્યા છે. સ્કૉચ વિસ્કીની ચૂસકીઓ લેવાય છે અને શ્યામલ તૂતુલને શેરી પીવાનો આગ્રહ કરે છે, જે તે સ્વીકારી શકતી નથી. ઠઠ્ઠા મશ્કરી ચાલતી હોય છે તેવામાં શ્યામલના વૃદ્ધ માતા પિતા તેમના ઘેર આવી પહંોચે છે. તે દિવસે લિફ્ટ બંધ હોવાથી ચઢેલા શ્વાસે બન્ને વૃદ્ધજન છઠા માળે પહોંચે છે. શ્યામલ અને દોલન તેમના સંસ્કાર મુજબ તેમની ચરણરજ તો લે છે, પણ તેમને અંદરના કમરામાં લઇ જાય છે, ત્યાં બેસાડી બારણું બંધ કરે છે. બહાર આવી તે તૂતુલને ઇશારાથી બોલાવી મા-બાબા પાસે બેસાડે છે અને શ્યામલ-દોલન મિત્રો પાસે આવી પાર્ટીમાં સામેલ થાય છે. આવા કેટલાય હૃદ્ય, અબોલ દૃશ્યો દ્વારા સત્યજીત રાયે શંકરની કથાને મૂર્ત સ્વરૂપ આપ્યું છે.

યુ ટ્યુબ પર રજુ થયેલા આ ચિત્રપટની બ્લૅક અૅન્ડ વાઇટ ફિલ્મની ક્વૉલિટી એટલી સારી નથી. વળી તેમાં સબ-ટાઇટલ્સ પણ નથી અને વાચકોને તેમાં કદાચ રસ ન પડે. તેથી શંકરની આ કથાને અહીં  વિસ્તારથી રજુ કરી છે. જિપ્સીએ મૂળ નવલકથા વાંચી હતી તેથી તેમાંની વિગતો પણ અહીં સામેલ કરી લેવામાં આવી છે. આ ફિલ્મનો લહાવો લેવા અહીં ક્લીક કરશો.