Friday, January 1, 2016

બંસી કાહેકો બજાઈ - પ્રકરણ ૧

ઘેરા નીલા આકાશમાં તારલા હજી ઝળહળતા હતા. હવામાં સુખદ ઠંડક ફેલાઈ હતી. ચંદ્રાવતીની રુમની બારી બહાર, સામેની જાંબુડીની ડાળીઓ અચાનક જાગી હોય તેમ સળવળવા લાગી અને તેનાં પાંદડાઓમાં સંતાયેલી કોયલ એક વાર ટહૂકીને ચૂપ થઈ ગઈ. નજીકના હનુમાનજીના મંદિરના ઘંટના મંદ ધ્વનિમાં દૂર ક્યાંકથી આવતી કૂકડાની બાંગનો સાદ ભળી ગયો હતો. પરોઢિયું ધુમ્મસથી છવાઈ ગયું હતું. પશ્ચિમ તરફ ઢળેલ ચંદ્રની કોર જાણે ઉતરી ગયેલ સંતરાની પેશીની જેમ ઢીલી ઢફ થઈને ફિક્કી પડી ગઈ હતી.
ચંદ્રાવતી શાલ લપેટીને પલંગ પર શાંતિથી પડી રહી. દૂર દોડતા ઘોડાંઓના ડાબલાંના આછાે અવાજ સાંભળી તે ઊઠી ગઈ. બાથરુમમાં જઈ મ્હોં ધોઈ, પૂજાઘરમાંથી ફૂલની છાબડી લઈ હળવે પગલે વરંડાના પગથિયાં ઉતરી બાગમાં ફૂલ ચૂંટવા ગઈ. ગુલાબનાં ફુલોનો મોસમ લગભગ પૂરો થવા આવ્યો હતો. પૂર્ણ ખીલેલા ગુલાબના ગોટાને હાથ લગાડતાં જ તેની સુગંધી પાંખડીઓ જમીન પર ખરી પડતી હતી. લીલા ચંપાના ફૂલનો સૌરભ હવામાં પ્રસરી રહ્યો હતો. ચંપકવૃક્ષની નીચે ઉભી રહી ચંદ્રાવતી તેનાં લીલાંછમ પાંદડાઓમાં સંતાયેલ ફૂલ શોધવા લાગી. પ્રયત્નો બાદ એક માથોડા જેટલી ઊંચાઈ પર તેને એક ફૂલ દેખાયું. તેને તોડવા તેણે જેવો હાથ લંબાવ્યો, પેલાં ઘોડાંઓનાં ડાબલાંઓનો અવાજ તેના બંગલાના ફાટક સુધી પહોંચી ગયો હતો. અચાનક તેને ખ્યાલ આવ્યો કે ઘોડાંઓની રેવાલ ચાલ હવે એકદમ ધીમી થઈ ગઈ હતી.
હાથમાં આવેલી ફૂલની ડાળ છોડીને ચંદ્રાવતી ચંપાના વૃક્ષ પાછળ સંતાઈ ગઈ. હળવેથી તેણે ફાટક તરફ ડોકિયું કર્યું અને જોયું તો બે ઘોડેસ્વાર ધીરે ધીરે દરવાજા પાસેથી પસાર થતા હતા. આ ધમાલમાં પેલું ચંપાનું ફૂલ ક્યાંક ખોવાઈ ગયું. ચંદ્રાવતી જાસૂદના છોડ પાસે ગઈ અને ફૂલ ચૂંટવાનું શરુ કર્યું. જાસૂદના લાલચટક ફૂલોથી છાબડી ભરાઈ ગઈ અને તે દર્ભના ક્યારા પાસે ગઈ. દૂર્વાંકૂર પર જામેલું ઝાકળ હવે ચળકવા લાગ્યું હતું અને ઝાકળની ફોરમ હવામાં ફેલાઈ હતી. 
આજે ચોથ છે તેથી ગણેશજી માટે લીલાંછમ દર્ભની જૂડી અને જાસૂદનાં ફૂલોનો હાર બનશે. ફૂલની છાબડી લઈ પગથિયાં ચઢતાં વરંડામાં સૂતેલા બાલકદાસને તેણે સાદ પાડ્યો. 
“સિકત્તર, ઊઠ બૈઠો તો! સાહબ જાગને વાલે હૈં, જલ્દી દૂધ નિકાલો.” 
બાલકદાસ આમ તો સામાન્ય કામકાજ કરવા માટે રાખેલો નોકર હતો, પણ પોતાને ચંદ્રાવતીના પિતાના સેક્રેટરી તરીકે ઓળખાવાનો આગ્રહ રાખતો. “હમ ડાગધર સાહેબકે સિકત્તર હૈં” કહી કહીને તેનું હુલામણું નામ પણ સિકત્તર થઈ ગયું હતું. 
બાલકદાસ ચાદર ખેંચીને ઊંઘવાનો ઢોંગ કરી પડી રહ્યો. 
“બાલકદાસ!” રસોડામાંથી જાનકીબાઈએ સાદ પાડ્યો.
શેઠાણીનો અવાજ સાંભળી સિકત્તર ઝપાટાબંધ ઊભો થઈ ગયો અને વરંડાના થાંભલા પાસે મૂકેલાં પિત્તળનાં બોઘરણાં ઊંચકી ભેંસની ગમાણ તરફ દોડી ગયો.
***
ડૉક્ટર ચૌબળના બંગલાના ભોજનકક્ષમાં સવારની ચ્હાનો કાર્યક્રમ આરામથી ચાલે. આજે ચ્હા સાથેજાનકીબાઈએ બનાવેલા માવાના સાટા લાવવા તેમણે ચંદ્રાવતીને કહ્યું. 

“બડેબાબુજીના મોટા ભાઈ ભિંડથી પરમ દિવસે આવ્યા ત્યારે હંમેશની જેમ તેમણે બે મોટાં પડિયા ભરીને માવો મોકલ્યો અને ખાસ કહેવડાવ્યું, એક પડિયો ચંદા માટે છે અને એક શેખર માટે!”
“હું આવડી મોટી થઈ તોય દદ્દા હજી પણ મારા માટે જુદો ભાગ મોકલે છે,” પિતાજીના ચહેરા તરફ જોઈ હસીને ચંદ્રાવતી બોલી.

“તું કેટલીયે મોટી થઈશ તો પણ અમારા માટે તો નાનકડી ચંદા જ રહેવાની છો!”

“હું ક્યાં નાની રહી છું? આ વર્ષે મૅટ્રિકની પરીક્ષામાં બેસવાની છું.”

“હા ભાઈ, હા! સરખી રીતે લેસન કરો અને ફર્સ્ટ ડિવિઝન મેળવો એટલે થયું,” જાનકીબાઈ બોલ્યાં.

“મને નિશાળમાં વહેલી દાખલ કરી હોત તો અત્યારે હું ઈન્ટરમાં હોત.” ચંદ્રાવતીની આ હંમેશની ફરિયાદ.

“આ સારંગપુરમાં કન્યાશાળા ક્યાં હતી? બડી મુશ્કીલથી હવે શરુ થઈ છે, અને તે પણ અમે બધાંએ મળીને ખટપટ - સટપટ કરી ત્યારે. ત્યાર પછી મિસ જોહરીએ મોરચો ઉપાડ્યો ત્યારે તો મૅટ્રિક સુધીના ક્લાસ શરુ થયા.”

“મૅટ્રિક પછી હું કૉલેજમાં જઈશ, હોં કે!”

“અહીં છોકરીઓની કૉલેજ ક્યાં છે? છોકરાઓની કૉલેજમાં તો બાબા, અમે તને નહિ મૂકીએ. લોકો શું કહેશે? જોઈએ તો ઈંદોર જા, તારા મોટા કાકાને ઘેર.”

“ઈંદોર? છી…એવા બંધિયાર વાતાવરણમાં કોણ જવા તૈયાર થાય? ‘અહીં પાંચ ગજની સાડી પહેરવાની નથી. નવ ગજની સાડી જ પહેરવી જોઈશે… અને બારી પાસે ઉભા રહેવાય નહિ!’ આવા બંધનવાળા માહોલમાં કોણ જાય?”

“તો કહો જોઉં, અમારી દીકરીને આગળ અભ્યાસ કરવા ક્યાં જવું છે?” ડૉક્ટર સાહેબે પૂછ્યું.

“મારે તો મુંબઈ જવું છે, મોહનમામાને ત્યાં. થોડા દિવસ પહેલાં જ તો તેમનો કાગળ હતો કે ચંદાને કૉલેજનો અભ્યાસ કરવા અમારે ત્યાં મોકલો.”

“મુંબૈ? એમની ચાર રુમની સાંકડી જગ્યામાં તમારે ચંદાને મોકલવી છે? અને ચંદા, મુંબૈમાં આજકાલ શું ચાલી રહ્યું છે એની ખબર છે તને? અલી, છાપું-બાપું વાંચે છે કે નહિ? ત્યાં બૈરાંઓની હાલત ઘણી ખરાબ થઈ ગઈ છે. ગોરા રંગરૂટ આપણી સ્ત્રીઓને ભગાડીને લઈ જાય છે. કોઈ સ્ત્રી સડક પર એકલી આવી - જઈ શકતી નથી. રાતે બ્લૅક - આઉટ. મુંબૈ પર ફરીથી બૉમ્બ ક્યારે પડશે એનો કોઈ ભરોસો છે ખરો? લોકો મુંબૈ છોડવા ભાગમ્ ભાગ કરી રહ્યા છે, ને તારે મુંબૈ જવું છે?”

ચાર - છ મહિના પહેલાં મોહનમામાનો કાગળ આવ્યો ત્યારથી ચંદ્રાવતીએ મુંબઈના મનમુક્ત વાતાવરણનાં, ત્યાંની મોટી કૉલેજો, એકથી એક ચઢિયાતા વિદ્વાન પ્રૉફેસરો, ભાવિ મિત્રો અને સખીઓ વિશેના જે સ્વપ્ન સજાવી રાખ્યાં હતાં, તે કડડભૂસ થઈને ભાંગી પડ્યાં.

“મુંબઈ પર બૉમ્બ પડશે તો ત્યાંના લોકોનું જે થશે તે મારું થશે. એથી વધુ શું થવાનું છે?”

“અરે વાહ! બહુ મોટી વિદ્વાન થઈ ગઈ છો ને કંઈ! પેલો ઉલ્લુનો પઠ્ઠો દિનકર આને કોણ જાણે કેવી કેવી ચોપડીઓ લાવી આપે છે અને આ છોકરી તે ધ્યાનપૂર્વક વાંચતી હોય છે. ‘કાશ્મિરી ગુલાબ’ અને ‘જાદુગર’ - અને -”

“દિનકરરાવ વિશે તમે કશું ના કહેશો, બા. પુસ્તકો તો મને જોઈતા હોય છે. તેઓ તો બિચારા પોતાનો સમય બગાડીને ગામની લાઈબ્રેરીમાંથી ચોપડીઓ લાવી ઠેઠ આપણા બંગલે પહોંચાડતા હોય છે,” ચંદ્રાવતીએ ફટાક દઈને જવાબ આપ્યો.

“સવારે નાહી-ધોઈને તુલસીના છોડને પાણી પા, ‘રુક્મિણી સ્વયંવર’ વાંચ એવું કહું છું તો આની પાસે સમય નથી. આમાં કશું પણ બોલનારી હું કોણ? જવા દો, હવે. સવારના પહોરમાં મારે આવા વિતંડાવાદ નથી જોઈતા,” કહી જાનકીબાઈએ પતિ તરફ નજર કરી પણ પતિનો ચહેરો જોઈ પોતાનો અવાજ ઢીલો કરી નાખ્યો. તેમણે પતિને કહ્યું, “અરે, આ સાટા તો ચાખી જુઓ!”

સાટાનો ટુકડો મ્હોંમાં મૂકી, તેનો આસ્વાદ લેતાં તૃપ્ત દૃષ્ટિથી જાનકીબાઈ તરફ જોઈ ડૉક્ટર સાહેબ બોલ્યા, “વાહ! એક તો તાજા ઘીની સુગંધથી મઘમઘતો માવો અને તેમાં તમારા હાથનો જાદુ! હવે તેમાં કંઈ કહેવાપણું રહે ખરું?”

“હવે તો દદ્દા પોતાના નાના ભાઈને ઘેર આવવા લાગ્યા છે. આ પહેલાં તો તેમના ઘરમાં પગ પણ મૂકતા નહોતા. હવે બધું થાળે પડી ગયું લાગે છે.”

“તમે વળી જુની વાતો ક્યાં ઉખેળવા બેસી ગયા?” એક દિવસના જુના ‘સ્ટેટ્સમૅન’નાં પાનાં પાછળથી ડૉક્ટર સાહેબ બબડ્યા અને છાપું હઠાવી પત્ની તરફ તીવ્ર નજરે જોયું. પછી દીકરી તરફ જોઈને બોલ્યા, “અરે ચંદા, શેખર ઉઠ્યો કે નહિ? એને કહે, નિશાળે જવું છે કે નહિ? જા, એને જગાડ તો!”

પગને પરાણે ખેંચતા લઈ જવા પડતા હોય તેવી રીતે ચંદ્રાવતી શેખરના કમરા ભણી ગઈ.

“છોકરાંઓ સામે શું બોલવું, શું કહેવું તેનો ખ્યાલ રાખશો,” છાપું બાજુએ મૂકી ડૉક્ટર સાહેબે પત્ની તરફ નારાજીપૂર્ણ દૃષ્ટિક્ષેપ કરતાં કહ્યું.

“ચંદા કાંઈ આખી જિંદગી શું નાની રહેવાની છે? જાણે એને દદ્દાના…”

“દદ્દાના શું?”

“ચંબલ ખીણમાંના તેમના પરાક્રમ, બીજું શું? આજે આનું ખૂન, કાલે પેલાને ત્યાં લૂંટ…”

“જુઓ, આપણે આવી વાતો પર વિશ્વાસ ન રાખવો જોઈએ. આજે તમે જે વાત કરી તેનો હવે ભૂલથી પણ ક્યાંય ઉલ્લેખ કરશો મા, સમજ્યા? આજ નહિ ને કાલ, દદ્દાને ખબર પડશે કે બંગલામાં તેમના વિશે આવી વાત થાય છે તો નકામી આફત આવશે. ચંદાને ખબર પડવાની હશે તો તેને એની મેળે પડી જશે. તેને આ બધી વાતો ખાસ ભાર આપીને કહેવાની જરુર નથી.”

“તો રહ્યું,” માથું ઝૂકાવીને જાનકીબાઈ બોલ્યાં.

દાઢી, સ્નાન પતાવી, સૂટ - બૂટ પહેરી, શિર પર ગુલાબી સાફો બાંધી નવે’ક વાગ્યાના સુમારે ડૉક્ટર સાહેબ બહાર વરંડામાં આવ્યા. ત્યાં બડે બાબુજી - સારંગપુર રજવાડાના દવાખાનાના સુપરિન્ટન્ડેન્ટ તેમની રાહ જોઈને બેઠા હતા. તેમના હાથમાં તે દિવસનું તાજું આવેલું સ્ટેટ્સમૅન હતું. ડૉક્ટર સાહેબને જોઈ તેમણે છાપું બાજુએ મૂક્યું અને ઉભા થઈ, હાથ જોડીને બોલ્યા, “જૈ રામજીકી સાહેબ.”

બીજું વિશ્વ યુદ્ધ મધ્યાહ્ને પહોંચ્યું હતું. અખબારમાં આવેલા સમાચારની ચર્ચા કર્યા બાદ બડે બાબુએ સરકારી હૉસ્પિટલની કાર્યવાહીનો રિપોર્ટ આપવાનું શરુ કર્યું.

“સાહેબ, પેલો ટી.બી.નો દર્દી ઘેર જવાનો ઈન્કાર કરે છે. કહે છે, ઘરમાં તેની સારસંભાળ રાખનાર કોઈ નથી. મન્ના વૉર્ડબૉય બરાબર કામ નથી કરતો.”

“હશે. નવો નવો કામે લાગ્યો છે. શીખી જશે. રાવરાજાના ઘૂંટણમાં દર્દ હતું તેના વિશે મહેલમાંથી કોઈ સમાચાર?“

“ગઈ સાંજના પવાર સાહેબનો દીકરો - જે હાલમાં જ રાવરાજાના કમ્પૅનિયન તરીકે નીમાયો છે, હૉસ્પિટલમાં આવ્યો હતો. મને કહે, ‘રાવરાજાના ઘૂંટણમાં બહુ દર્દ થાય છે. ડૉક્ટર સાહેબને મહેલ બોલાવ્યા છે તેથી હું તેમને બોલાવવા તેમના બંગલે જઉં છું.’ મેં તેમને રોક્યા અને તેમના હાથમાં અૅસ્પિરિનની ચાર ટિકડીઓ પધરાવીને રવાના કર્યા અને કહ્યું, ‘ડૉક્ટર સાહેબ સવારે મહેલમાં પહોંચી જશે.”

“બાબુજી, આપે આ બરાબર ન કર્યું.”

“સાહેબ, આપને પણ આરામ કરવો જોઈએ કે નહિ? રજવાડાનાં લોકોને બીજું કોઈ કામ જ નથી હોતું. બસ, ટેનિસ અને પોલો ખેલવા સિવાય બીજું શું કરે છે? એમાં જ હાથ પગ મરોડી લેતા હોય છે.”

“અરે, આ યુવાનીના ખેલ છે, બાબુજી. આજના રાવરાજા આવતી કાલના મહારાજા છે.”

“આપની વાત બરાબર છે. આપે તેમનો શિકારનો કિસ્સો તો સાંભળ્યો હશે.”

“તેમના શિકારના ઘણા કિસ્સા સાંભળ્યા છે.”

“ગયા અઠવાડિયે બડે સરકાર શિવપુરીના જંગલમાં શિકાર ખેલવા ગયા હતા. સાથે આ પવાર છોકરાને પણ સાથે લઈ ગયા હતા. છોકરાની નિશાનબાજી એવી અચૂક હતી, બેનાળી બંદૂકના બારમાં જ તેણે વાઘને ઢેર કરી નાખ્યો. બડે સરકાર છોકરાને ભેટી પડ્યા અને તરત પાંચસો રુપિયાનું ઈનામ જાહેર કર્યું.”

“બડે સરકાર ગુણીજનોની હંમેશા કદર કરતા હોય છે.”

“સાહેબ, આગળ શું થયું તે તો સાંભળો! પવારસાહેબનો દીકરો ખુશ થઈ ગયો અને તેણે આખા મહેલમાં મિઠાઈ વહેંચી. અહીં બડે સરકારે પેલા મરેલા વાઘના માથા પર પગ મૂકી, હાથમાં બંદૂક પકડી ફોટા પડાવ્યા. જ્યારે તેમને હોશ આવ્યો કે તેમના ખિસ્સામાંથી પાંચસો રુપિયા નીકળી ગયા છે, તેમણે પવાર-પુત્રને બોલાવીને કહ્યું, “અમે નશામાં હતા તેથી આટલા બધા પૈસા ઈનામ તરીકે જાહેર કર્યા. તમે એવું કરો, તેમાંના પચાસ રાખો અને બાકીના પૈસા સરકારી તિજોરીમાં જમા કરાવો.”

“પછી?”

“આ છોકરો પણ તમતમી ગયો. એણે તો પૂરા પાંચસો રુપિયા બડે સરકારની સામે મૂક્યા અને ત્યાંથી પગ પછાડતો નીકળી ગયો. છોકરો પણ અજબ છે. રાવરાજા કોઈ ગલત કામ કરે તો તેમને પણ કોઈ કોઈ વાર સંભળાવી દેતો હોય છે!”

ડૉક્ટર સાહેબ કેવળ હસ્યા.

“સાહેબ, પહેલાં મહેલ જઈશું કે? રાવરાજાને જોવા?”

“ના. પહેલાં હૉસ્પિટલના મરીજ. ત્યાર પછી મહેલના દર્દીઓને જોઈશું.”

***

No comments:

Post a Comment