Saturday, February 6, 2016

બંસી કાહેકો બજાઈ - પ્રકરણ ૨૭

જામુની સારંગપુર આવી છે તે શેખરને કહેવું કે નહિ?

જો કે તે આવી છે કે નહિ તે જાણીને શેખરને ક્યાં ફેર પડવાનો હતો? જામુનીના હૃદયમાં ગૂંથાતા પ્રણયની ભાવનાના ધાગા એક ક્ષણમાં, એક નાનકડી ચબરખીના ઘાથી તોડીને એ મોકળો થઈ ગયો હતો. વિચારું છું, પ્રેમના આ રેશમી દોરાના તાણાવાણા બન્નેનાં મનમાં સાથોસાથ ગૂંથાતા હતા? કે પછી તે મારા મનની રમત હતી? 

મારી જ ભુલ થઈ…જામુનીના મનમાં શેખર પ્રત્યે ફૂટેલા નાજુક શા અંકૂરને મારે પોષવાે જોઈતો નહોતો. હવે શેખરને દૂષણ દેવામાં કોઈ અર્થ છે? મારે આ નિર્દોષ કિશોરીને ગલત રસ્તા પર દોરી જવાની જરૂર નહોતી. બાનું કહેવું તે વખતે મને રુચ્યું નહોતું. હવે લાગે છે કે બા સાચી હતી. 

દુનિયામાં એકાદ માણસ એવો પણ નીકળે છે જે માટીને અડકે તો માટીનું સોનું થઈ જાય. મેં સોનું હાથમાં લીધું અને તેની ધૂળ થઈ ગઈ. હું પોતે મારા પ્રેમમાં અસફળ નીકળી, પણ શેખર - જામુનીના માધ્યમથી મારાં અપજશ ધોઈ કાઢવાની આ બાલીશ જીદ મારે કરવી જોઈતી નહોતી. મારા હૃદય પર લાગેલો આ ડંખ મુંબઈમાં ઘણી વાર તાજો થઈ આવે છે. અહીં, સારંગપુરમાં આવ્યા પછી, ખાસ કરીને આજે જામુનીને મળ્યા પછી આ ડંખ અધિક તીવ્ર થયો છે. અને આ ઘેલી જામુનીને જુઓ! એ તો હજી સુધી પેલી કાગળની ચબરખી સંભાળીને બેઠી છે! પિયર આવીને આ ચિઠ્ઠીમાંની “પ્યારી જામુની” ની પંક્તિ વાંચીને ભૂતકાળમાં ખોવાઈ જતી હોય છે!

ચિઠ્ઠીમાંની આ લીટી પર આંગળી રાખીને તેણે મારી સામે જોયું ત્યારે તેની આંખો ભિની થઈ હતી? થઈ જ હશે.  આજે સાંજે મળશે ત્યારે હું મારી ભુલ કબુલ કરીશ અને કહીશ, ‘જામુની, હું તને ગલત રસ્તા પર લઈ ગઈ હતી. મને માફ કર.”

જામુની પાસે આ ભુલની કબુલાત કર્યા વગર મારા મન પરનો ભાર હલકો નહિ થાય. આ અસહ્ય ભાર લઈ મારે મુંબઈ પાછા નથી જવું. અહીંનો ભાર અહીં જ ઉતારવો જોઈશે.

વિચારોના આ વમળમાં તે શેખરના ઘરના વળાંક સુધી પહોંચી. શેખરને બપોરના ભોજન માટે દવાખાનેથી ઘેર આવતાં જોઈ રોકાઈ ગઈ. તે નજીક આવ્યો ત્યારે ચંદ્રાવતીએ ધીમા અવાજે, પણ ઉત્સાહમાં આવી જઈને કહ્યું, "સારું થયું તું અહીં એકલો જ મળી ગયો.”

“કેમ, જીજી?”

“તને કહેવું હતું કે જામુની આવી છે.”

મને લાગ્યું જ કે તે આવી છે.”

“એટલે?”

“ગઈ કાલે સાંજે બંગલાનું ચક્કર મારી ગામમાં હૉસ્પિટલ ભણી જતો હતો ત્યારે બીલીવૃક્ષની પાળ પાસે એ દેખાઈ હતી.”

“તો પછી તેની સાથે વાત કેમ ન કરી?”

“કેવી રીતે વાત કરું? એણે તો મને જોઈને એક હાથ લાંબો ઘૂમટો પોતાના ચહેરા પર ખેંચી લીધો.”

“તો પછી એમ જ વાત કરી લેવી હતી.”

“ઓ બાઈસાહેબ, આ સારંગપુર છે, મુંબઈ નથી.”

“તેં એને ઓળખી એ જ બહુ થયું.”

“એટલે? જીજી, તને એવું લાગે છે કે હું તેને ભુલી ગયો છું?”

“અલ્યા, એવું નથી મારા ભાઈ! તું તેને કેવી રીતે ભુલી શકે? પણ હવે તે નાનપણની જામુની નથી રહી. પ્રૌઢ સ્ત્રી થઈ ગઈ છે.”

“ગયા વર્ષે તે અહીં આવી હતી ત્યારે પણ તેણે ઓળખાણ બતાવી નહોતી.”

“તને કેવી રીતે ખબર પડી કે તે જામુની જ હતી.”

“આ નાનકડા ગામમાં કોણ આવે છે, કોણ જાય છે, સૌને ખબર પડી જતી હોય છે. તું અહીં આવી છે તે આખું ગામ જાણે છે.”

“એ જવા દે, પણ ગયા વર્ષે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો?”

“ગામમાં જતી વખતે આમ જ બે-ત્રણ વાર મળી હતી. બીલીવૃક્ષની પાળ પાસે. હું વાત કરવા ઊભો રહ્યો, પણ એણે ઘૂંઘટ તાણ્યો અને મારી ઊપેક્ષા કરીને મારી પાસેથી નીકળી ગઈ. હું કેવી રીતે તેની સાથે વાત કરું? તું અહિંયા છે તો તેને બોલાવી હોત, પણ આજ રાતની ગાડીમાં તું પાછી જાય છે.”

“હું ન હોઉં તેથી શું થયું? મારા ગયા પછી તેને બોલાવને!”

“અને ‘અમારે ઘેર બેસવા આવ’ એવું કહેવા કોણ જાય? ઉમાએ તેને કે બડે બાબુજી - કાકીને જોયાં પણ નથી. અચાનક તેમના દરવાજે તે કેવી રીતે જાય?”

“તો તું જ જા.”

“જવાય એવું નથી, જીજી.”

“કેમ?”

“તને તો ખબર છે મારાથી શા માટે નહિ જવાય.”

“બડે બાબુજીને રીતસરનું આમંત્રણ નહોતું આપ્યું તેથી?”

“God knows,” વિષય ટાળવા શેખર બોલ્યો.

ચંદ્રાવતીને શેખરનો નાનપણનો એક ફોટો યાદ આવ્યો. તેણે ફોટો પડાવવા માટે મખમલનાં કોટ-પાટલૂન અને ટોપી પહેર્યા હતા. કપડા પર અને ટોપી પર જરીના તારથી ભરતકામ કરવામાં આવ્યું હતું. આ પોશાકમાંથી નીકળેલા તારનો એક અણીદાર છેડો તેને ભોંકાયો હતો અને તેને દર્દ થયું હતું. આવો જ કોઈ જરીના તારનો સુશોભિત છેડો અત્યારે તેના શરીર કે મનમાં ભોંકાતો હશે? આ વિચારમાં જ ઘર આવી ગયું.

“મને આવતાં જરા મોડું થઈ ગયું, ઉમા. જો ને, સત્વંતકાકી નીકળવા જ નહોતાં દેતાં. શેખર મને અહીં ઘરના દરવાજા પાસે જ મળી ગયો.

***
મુંબઈ પાછા જવા માટે સામાન પૅક કર્યા પછી બીલીવૃક્ષના દર્શનના બહાને ચંદ્રાવતી બહાર નીકળી. રસ્તે ચાલતાં ડાબી અને જમણી તરફ વળી વળીને તેણે સારંગપુરનું છેલ્લી વારનું દર્શન પોતાના નયનોમાં સંકોર્યું અને પગદંડી પરથી બીલીવૃક્ષ તરફ જવા નીકળી.

જામુની વાટ જોતી હશે.

આજે તો જામુની આગળ મારી ભુલની કબુલાત કરવી જ રહી. પણ તેની શરુઆત કેવી રીતે કરવી?

શેખર હજી તેને ભુલ્યો નથી આ વાત તેને કહું કે નહિ? 

પણ શેખર તેને ભુલ્યો નથી તેનો અર્થ શું? ભૂતકાળમાં શેખર અને જામુની વચ્ચે જે કાંઈ થયું અને અત્યારે જે થઈ રહ્યું છે એ બધો શું મારા મનનો ભ્રમ હતો અને છે? શેખરના મનમાં શું આમાંની કોઈ ભાવના નહોતી?  જે કોઈ વાત હતી તે શું મારા મનની રમત હતી?

શેખરના મનમાં હજી જામુની નિવાસ કરે છે તે જાણી મારા મનમાં કેવી ભાવના થઈ? આનંદની?

આનંદ તો થયો જ હતો ને મને! 

‘જે થઈ ગયું તે ગંગાર્પણ' કહી મુક્તિ માણતા શેખર પર આટલા વર્ષ હું નારાજ હતી…તેમાં પણ શેખરે  તે વખતે બેદરકારી ભરી સહજતાથી વાત ઉડાવી નાખી હતી તેથી તેના પ્રત્યેની મારી નારાજીમાં વૃધ્ધિ થઈ હતી, બીજું શું?

આજે સવારે શેખરના મુખમાંથી નીકળેલા શબ્દો - ‘તને શું લાગ્યું, હું જામુનીને ભુલી ગયો છું?’ સાંભળીને મારા મનમાં ઊપજેલા આનંદ પર ખિન્નતાનો જાડો લેપ શા માટે ચઢ્યો હતો?

ચાલો, જે થયું તે ઠીક થયું…પણ શેખરના ઉમા સાથેના આદર્શ લગ્નજીવનને કોઈની નજર ન લાગવી જોઈએ…

ચંદ્રાવતીએ બીલી ફરતી પાળ પર નજર નાખી. જામુની હજી આવી નહોતી.

બીલી પાસે જઈને ચંદ્રાવતીએ નમસ્કાર કર્યા અને પાળ પર બેસી બંગલા તરફ એક ટસે જોતી રહી...દસ -બાર વર્ષ પહેલાંનો તે ચૈત્ર મહિનાના હળદર - કંકુનો સમારંભ બાના સૌભાગ્યવતી સ્ત્રી-જીવનનો છેલ્લો શુભ પ્રસંગ હતો. નાકમાં નથ, ગળામાં ચંદ્રહાર અને લાલ ગુલબાસી રંગના સાળુમાં સજ્જ એવી બાના ચહેરા પર અપૂર્વ તેજ વર્તાતું હતું. અને…અને દાડમી રંગની સાડીમાં ચૌદ - પંદર વર્ષની છટાદાર જામુની…

અને તે દિવસે મેં જોયેલી જામુની - શેખરની એકબીજા પ્રત્યે થયેલી કંપન-સભર નજરાનજર…


 (ક્રમશ:)

No comments:

Post a Comment