Tuesday, March 15, 2016

આસપાસ ચોપાસ : ભારતને બિલિયર્ડઝમાં વર્લ્ડ કપ કેવી રીતે મળ્યો?


હા, વાત તો વિશ્વ કપની છે, પણ ક્રિકેટની નહિ, જે આજકાલ ભારતમાં રમાઈ રહી છે. વર્લ્ડ કપ ફૂટબૉલની પણ નહિ. આજની વાત છે અમારા (મૂળ) અમદાવાદના કમલભાઈની. તેઓ દેશ માટે વિશ્વ કપ જીતી આવ્યા હતા. તેમની યાદ તો ત્યારે આવી જ્યારે બ્રાઝિલમાં વર્લ્ડ કપ ફૂટબૉલ સ્પર્ધા પૂરી થઈ. 

જર્મનીની ટીમ કપ જીતીને બર્લિન પહોંચી ગઈ હતી. ફૂટબૉલના વિશ્વ કપમાં ભારતનું નામોનિશાન નહોતું. ફૂટબૉલ અને ભારત એક વિરોધાભાસ - oxymoron - ભલે ગણાતું હોય, પણ આપણા દેશમાં ક્રિકેટ બાદ (કે ક્રિકેટ કરતાં વધુ) રમાતી કોઈ રમત હોય તો તે ફૂટબૉલ છે. ક્રિકેટની મૅચ પછી કદી મારામારી થઈ હોય તે સાંભળ્યું છે? અમારા જમાનામાં બંગાળમાં મોહન બાગાન અને ઈસ્ટ બૅંગાલ વચ્ચેની ફાઈનલ મૅચ પૂરી થયા બાદ બેઉ ટીમના સમર્થકોમાં ભયંકર મારામારી થતી. બંગાળના માલદા શહેરની પાસે ‘માથાભાંગા’ નામનું એક ગામ છે (મારા મિત્ર અમલેન્દુ સેનનાં લગ્ન આ ગામમાં થયાં અને તેની કંકોત્રી મને આવેલી તેથી મને તે યાદ છે). એક ફૂટબૉલની મૅચ ખતમ થયા બાદ આ ગામના બધા યુવકોનાં માથાં ભાંગ્યા તેથી આ ગામનું નામ આવું થયું હશે એવી મારી માન્યતા છે. આપે શરદબાબુનું ‘શ્રીકાંત’ જરૂર વાંચ્યું છે, તેના પરથી ખ્યાલ આવશે કે આ મહાનવલ શરૂઆત ફૂટબૉલ મૅચમાં થયેલી મારામારીથી થાય છે. ત્યાંથી જ તો ઈન્દ્રનાથ શ્રીકાંતને બચાવીને લઈ ગયો હતો અને તેની નિષ્પત્તિ ત્રણ ભાગના વિરાટ પુસ્તકમાં થઈ, અને આખા ભારતમાં વંચાઈ. 

આજની વાત વર્લ્ડ કપ ફૂટબૉલની નથી, પણ ફૂટબૉલને કારણે મારા મિત્ર બુલચંદ બુલચંદાણીનો પુત્ર સ્નૂકરમાં વિશ્વ ચૅમ્પિયન કેવી રીતે થયો તેની વીર ગાથા છે.

***

૧૯૪૮ -૫૦ના સમયમાં અમદાવાદ સાવ જુદું હતું. અત્યારે લાલ દરવાજામાં સ્ટેટ બૅંકની સામે આવેલું બસ સ્ટૅન્ડ અને સરદાર પાર્ક છે ત્યાં ખુલ્લું મેદાન હતું. દર રવિવારે માંડવીની પોળ, રાયપુર, શાહપુર, દરિયાપુર, ખાનપુર - આ બધી જગ્યાએથી સેંકડોની સંખ્યામાં કિશોરો અને યુવકો ક્રિકેટ રમવા આવતા. તે વખતે અમદાવાદ આજ જેટલું ધનિક નહોતું, તેથી મોટા ભાગનાં બાળકો પાસે બૅટ અને ક્રિકેટનાં લાલ ‘ડ્યૂક’ બૉલ - જેને અમે ‘સીઝન બૉલ’ કહેતાં - તેની અછત હંમેશા વરતાતી. બે બૅટ્સમેન વચ્ચે એક બૅટ અને એક ધોકા જેવું સાધન લઈ ટીમ બૅટીંગમાં ઉતરતી. બૅટીંગ કરનાર ખેલાડી અલબત્ બૅટથી રમે, પણ તેની સામેનો રનર ‘ક્રીઝ’ને અડવા ધોકાનો ઉપયોગ કરે, જેથી તે રન આઉટ ન થાય. ત્યાર પછી બૅટ-ધોકાની અદલાબદલી થાય. અમારા મહોલ્લામાં વીરેન્દ્ર વશી નામનો પૈસાદાર છોકરો હતો. તેના બાપુજી મોટી વિમા કંપનીના મૅનેજર હતા. તેમણે વીરેનને બૅટ લાવી આપી હતી. કહેવાની જરૂર નથી અમારી ટીમનો કૅપ્ટન કોણ હશે! હવે વાઈસ કૅપ્ટન ચૂંટવાનો સમય આવ્યો ત્યારે અૉફ કોર્સ બુલચંદ ઉર્ફે બુલો બુલચંદાણીની વરણી થઈ. તેની પાસે ‘ડ્યુક’ માર્કાનો બૉલ હતો. એ જ્યારે ન આવે ત્યારે કાં તો મૅચ ન રમાય અને રમાય તો સ્ટેટ બૅંકની નજીકના એક ઝાડ નીચે બેઠેલા મનજીકાકા પાસેથી અમારો જુનો, ફાટેલો બૉલ સીવડાવીને રમતા.

વીરેનની બૅટીંગ ઠીક હતી, પણ બુલો? બૉલની માલિકી એની એટલે બૉલીંગ તો એને આપવી જ પડે નહિ તો એ રમવા જ ન આવે. એ રમવા ન આવે તો અમને બૉલ ન મળે! બુલોની બૉલીંગ એવી કે માંડવીની પોળમાં રહેતા અને ત્રણ દરવાજા ટ્યુટોરીઅલ હાઈસ્કૂલના મારા ક્લાસમેટ સાર્વભૌમ સત્યભામેશ્વર પરીખે બુલચંદની ઓવરમાં વિશ્વમાં પહેલી વાર છ છક્કા માર્યા. (તે વખતે સર ગારફીલ્ડ સોબર્સનો જન્મ પણ નહોતો થયો.) વર્લ્ડ રેકોર્ડ તો જવા દો, પણ સાર્વભૌમને બૅટ પણ પકડતાં આવડતી નહોતી. એ તો ‘માંડવી’ઝ પોલ-ઈન-લાલભાઈ’ઝ પોલ’નો ગિલ્લી દંડા સમ્રાટ હતો. સાર્વભૌમના બૅટીંગ પરના સ્વામીત્વ બાદ બુલોએ બૉલીંગ છોડી દીધી. ફીલ્ડીંગમાં વાઈસ કૅપ્ટન તરીકે ફીલ્ડીંગમાં દોડવું ન પડે એટલે સ્લિપમાં ઉભો રહે, પણ તેનાથી કૅચ એક પણ ન થાય. વળી બૅટ્સમૅન જાણે એનો સગો ભાઈ હોય તેમ તેના ‘સ્ટ્રોક’ પર અને તેને આપેલી ‘જીંદગી’ પર તાળી વગાડે. આખરે વીરેને તેને સમજાવીને તેની નીમણૂંક ‘બાય વિકેટકીપર’ તરીકે કરી. ક્રિકેટમાં આવી કોઈ પોઝીશન હોતી નથી, પણ વિશ્વના બીજા રેકૉર્ડ તરીકે આ સ્થાન નિર્માણ થયું. બાય વિકેટ કીપર એટલે વિકેટ કીપરના હાથમાંથી એક હજારમા બૉલમાંથી એકાદો બૉલ છટકે તો તે રોકી બાય રન બચાવવા માટે તેને વિકેટ કીપરની પાછળ, બાઉન્ડરી લાઈન પર બુલચંદ માટે આ સ્થાન તૈયાર કર્યું. જો કે તેણે કોઈ બૉલ રોક્યો હોય તેવી ઘટના સાંભરતી નથી.

અરે, આપણે તો ફૂટબૉલની વાત કરતા હતા. આ ક્રિકેટ ક્યાંથી આવી ગયું? આપણે ભારતીયો પણ ખરા છીએ. આપણી પાસે ચર્ચા માટે ફક્ત ત્રણ વિષયો હોય છે : ક્રિકેટ, બૉલીવૂડ અને કરપ્શન. સારૂં થયું આપે યાદ કરાવી આપ્યું.

અમદાવાદમાં પણ ક્રિકેટની સીઝન પૂરી થાય એટલે ફૂટબૉલ શરૂ થાય. લાલ દરવાજાના મેદાનમાં મૅચો રમાતી અને તે જોવા સેંકડોની સંખ્યામાં લોકો ઠેઠ મણીનગરથી આવતા. અમદાવાદમાં ફૂટબૉલના ક્ષેત્રમાં ખાસબજાર અને પટવા શેરીના મુસ્લીમ ભાઈઓએ જેટલું યોગદાન આપ્યું એટલું કોઈએ નથી આપ્યું. તે વખતે અમદાવાદમાં ચાર ટીમો પ્રખ્યાત હતી. ખાનપુર ફૂટબૉલ ક્લબ, સિટી ક્લબ, કેરાલા સમાજમ્ અને ગોઆનીઝ ક્લબ. ગોઆનીઝ ટીમ છોડીએ તો બાકીની ટીમોમાં નવાણૂં ટકા ખેલાડીઓ ખાસ બજાર અને ખાનપુરના મુસ્લીમ ભાઈઓ હતા. અમારા પ્રિય ખેલાડી હતા ખાનપુર ટીમના સેન્ટર ફૉર્વર્ડ કોદરૂ (એમનું ખરૂં નામ કોર્ડેરો હતું), જેણે સીઝનની લગભગ દરેક મૅચમાં હૅટ-ટ્રીક કરી હતી. બીજો ખેલાડી હતો સિટી ક્લબનો ગોલકીપર ‘પક્કી દિવાર’ રહીમ ખાન - જેમની સામે ગોલ બનાવવો લગભગ અશક્ય હતું; ત્રીજો કેરાલા ટીમનો કૅપ્ટન ‘કાલા હાથી’ મોહમ્મદ હમઝા. ચોથો સિટી ક્લબનો કૅપ્ટન અકબર ખાન હતો. કોદરૂનું ફૂટવર્ક અને ચાર ચાર ખેલાડીઓ વચ્ચેથી બૉલ ‘ડૉજ’ કરીને લઈ જવાની કળા મૅરાડોના (તે વખતે ડિયેગો મૅરાડોનાનો જન્મ પણ નહોતો થયો) જેવી હતી. જ્યારે પણ રેફરી કોઈ ટીમને પેનલ્ટી આપે, લાલ દરવાજાનું આખું મેદાન ‘પે - લ - ન્ટી, પે - લ - ન્ટી’ના નાદથી ગાજી ઉઠતું. હજી પણ વર્લ્ડ કપમાં પેનલ્ટી અપાય, મારાથી ‘પે - લ - ન્ટી, પે - લ - ન્ટી’  જ બોલી પડાય છે! 

લાલ દરવાજાની મૅચો જોઈને અમારૂં ફૂટબૉલ રમવાનું ઝનૂન જાગી ઉઠ્યું. સવાલ બૉલનો હતો. તે સમયે ઉદયન ચિનુભાઈ બેરોનેટના બંગલાની નજીક ઉજ્જડ પડેલા ટેનીસ કોર્ટ હતાં, ત્યાં જઈ અમે ટેનીસ બૉલથી ફૂટબૉલ રમતા. ગોલની જગ્યાએ બબ્બે ઈંટો અને ટીમ ‘જર્સી’નાં સ્થાને એક ટીમ શર્ટ પહેરીને મેદાનમાં ઉતરે અને બીજી ટીમ શર્ટ વગર. આ જોઈને બુલચંદ (અમારા માટે તેનું હુલામણું નામ બુલો હતું)ના મગજમાં એક વિચાર ચમકી ગયો. એક તો તેને કૅપ્ટન થવાનો મોકો મળતો હતો અને બીજી તક કોદરૂ કે રહીમ ખાન જેવા પ્રખ્યાત ખેલાડી થવાની હતી. તેના બાપુજીએ તેને સલાપોસ ક્રૉસ રોડ પર આવેલી મૅકવાન સ્પોર્ટ્સમાંથી ફૂટબૉલ લઈ આપ્યો. બુલોનો પહેલો ઉદ્દેશ - કૅપ્ટન થવાનો પૂરો થયો! બીજો ઉદ્દેશ - કોદરૂની જેમ સેન્ટર ફૉર્વર્ડ થવાનો પણ પૂરો થયો - પણ તે અલ્પ સમય પૂરતો જ. સેન્ટર ફૉર્વર્ડને ઘણું દોડવું પડે છે અને તે પણ અત્યંત તેજ ગતિથી. સેન્ટ ઝેવિયર્સમાં ભણતો બુલો આ જ લાલ દરવાજામાં યોજાતી તેમની વાર્ષિક રમત ગમતમાં થતી દોડવાની સ્પર્ધામાં હંમેશા છેલ્લો આવતો. ફૂટબૉલની મૅચમાં તેને કોઈ બૉલ પાસ કરે તો તે કદી પણ બૉલ સુધી પહોંચી શકતો નહોતો. મૅચમાં બૉલને જાણે તેની સામે દુશ્મની હોય, આખી મૅચમાં તે તેના પગને ભાગ્યે જ અડકતો અને અડકે તો દસ સેકન્ડથી વધુ તેની પાસે રહેતો નહિ. ક્રિકેટમાં તેની બૅટનો બૉલ સાથે કદી સંગમ ન થતો તેમ ફૂટબૉલમાં પણ તેના પગ અને બૉલનો સંગમ ભાગ્યે જ થતો. 

અંતે બુલોએ પોતે જ નક્કી કર્યું કે રહીમ ખાનની જેવા ગોલી (goalie) થવું. આ પણ તેના ભાગ્યમાં નહોતું ; મરઘીના બે પગ વચ્ચેથી ઈંડુ સરકે તેમ બૉલ તેના પગ વચ્ચેથી નીકળી જતો અને સામેની ટીમને ગોલ મળી જતો. એક મૅચમાં તેના પગ વચ્ચે થઈને બૉલ આઠ વાર નીકળી ગયો અને અમારા પ્રતિસ્પર્ધી આઠ વિરૂદ્ધ ત્રણ ગોલથી જીતી ગયા. તે દિવસે અમારી પ્રતિસ્પર્ધી ટીમે બુલચંદને ‘અંડા ગોલી’ નો ખિતાબ આપ્યો ત્યારથી તેનું ઉપનામ  ‘અંડા ગોલી’ થઈ ગયું. બુલો ખીજાયો. તેણે ગોલીના પદનું રાજીનામું આપ્યું અને બહુ દોડવું ન પડે તે માટે ડીફેન્ડર થવાનું નક્કી કર્યું. બસ, આ તેનો આખરી રોલ હતો. એક મૅચમાં ગોલપોસ્ટની નજીક ઉંચેથી બૉલ આવ્યો અને તેણે ‘હેડીંગ’ કરી બૉલને ખાળવાનો પ્રયત્ન કર્યો.  બુલોના મસ્તકને ભટકાઈ બૉલ અમારા ગોલમાં ગયો અને અમે એક ગોલથી મૅચ હારી ગયા. આ તો નજીવી બાબત હતી, પણ હેડીંગ કરતી વખતે બૉલનું વજન અને તેમાં ભળેલી ગતિ બુલોના મસ્તકને ફાવી નહિ અને માથા પર બૉલ ભટકાતાં જ તે બેભાન થઈ ગયો.  તે દિવસે સદ્ભાગ્યે તેના  પિતાજી મૅચ જોવા આવ્યા હતા. તેઓ તેને મોટરમાં નાખી વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલમાં લઈ ગયા. નસીબ સારાં કે અેલીસબ્રીજ પસાર કરતાં પહેલાં જ તે ભાનમાં આવ્યો. હૉસ્પિટલના સુપરીન્ટન્ડન્ટ ડૉ. મણીભાઈ દેસાઈએ બુલોને તપાસ્યો અને તેને ‘ફિટ’ જાહેર કરી ઘેર જવાની રજા આપી.

તે દિવસથી અમારી ફૂટબૉલની ટીમ બરખાસ્ત થઈ ગઈ. બુલોના પિતાજીએ તેના ફૂટબૉલ રમવા પર પ્રતિબંધ મૂક્યો અને બૉલ જપ્ત કર્યો. ઉછીના મળેલા ખરા ફૂટબૉલથી રમવાની ટેવ પડ્યા પછી અમે ટેનીસ બૉલથી ફૂટબૉલ રમી શક્યા નહિ. અમારો શોખ બસ લાલ દરવાજાની મૅચો જોવા પૂરતો રહી ગયો.

હવે બુલચંદનું શું થયું?

બુલોના હૃદયના ઊંડાણમાં રમત ગમતનો ભારે શોખ હતો. રમત તેના દરેક રક્તકણમાં સમાઈ હતી. તે રમ્યા વગર રહી શકતો નહોતો તેથી તેની માતા દ્રૌપદીદેવીએ તેને કૅરમ બોર્ડ લાવી આપ્યું. મૂળ મુંબઈનાં દ્રૌપદી કાકી તેમનાં લગ્ન પહેલાં પાર્લા - અંધેરીના કૅરમ ચૅમ્પિયન હતાં. તેમણે પુત્ર પાસે દિવસ રાત પ્રૅક્ટીસ કરાવી. એક દિવસ છાપાંઓમાં બુલચંદનું નામ મુંબઇની રાષ્ટ્રીય કૅરમ ચૅમ્પીયનશીપમાં વિજેતા થયાનું વાંચી અમને સાશ્ચર્યાનંદ થયો. તે આવો છુપો રૂસ્તમ નીકળશે એવું અમે કદી ધાર્યું નહોતું. અમે તેને હાર્દીક અભિનંદન આપ્યાં.

વર્ષો વીત્યાં. અમે સૌ છૂટા પડ્યા. બુલચંદ સાથે મારો સમ્પર્ક કેવળ દિવાળી અને નાતાલના કાર્ડ પૂરતો રહ્યો હતો. હું લંડનમાં સ્થાયી થયો તેમ છતાં કાર્ડનું લેવાણ-દેવાણ ચાલુ રહ્યું. બુલચંદ ધનાઢ્ય થયો હતો અને તેનોે એક્સપોર્ટ-ઇમ્પોર્ટનો વ્યવસાય સારો ચાલતો હતો. રમત ગમત -  એટલે કૅરમમાંથી - તે હવે નિવૃત્ત થયો હતો. મારી પોતાની ખેલ કૂદની પ્રવૃત્તિ હવે અખબારનાં સ્પોર્ટ્સ પેજ પર આવતા રમતગમતના સમાચાર વાંચવા પૂરતી રહી હતી. એક દિવસ મેં સમાચાર વાંચ્યા કે લંડનમાં યોજાયેલ બિલિયર્ડની સ્પર્ધામાં કમલ બુલચંદાણી નામનો યુવાન વિશ્વ ચૅમ્પિયન થયો છે. મારા મગજમાં વિચાર ચમકી ગયો! બુલોનો આ કોઈ સગો તો નહિ હોય? મેં મારી જુની ડાયરી ફંફોસી અને તેમાંથી બુલચંદનો ટેલીફોન નંબર શોધી કાઢ્યો.

“કેમ છે ‘લ્યા ‘ફણસે-તું-નહિ-ભણસે’ (નિશાળમાં અમારા ગુજરાતી શિક્ષકે મને આ નામ આપ્યું હતું)? તું કમલ વિશે પૂછે છે? અરે દોસ્ત, કમલ મારો નાનો દીકરો છે. તેને કૅરમ શીખવતો હતો ત્યારે  વિચાર આવ્યો, આ રમતના સિદ્ધાંત બિલિયર્ડ અને સ્નૂકરમાં એટલા જ લાગુ પડે છે.  કૅરમના સ્ટ્રાઈકરની જગ્યાએ સફેદ બૉલ હોય છે, અને કૅરમની કૂકરીની જગ્યાએ પ્લાસ્ટીકના લાલ  દડા - આપણી ક્વીનની જેમ. હું તો ભારતનો કૅરમ ચૅમ્પિયન થયો, પણ બોલ દોસ્ત, જગતમાં કૅરમની રમત ભારત સિવાય બીજે ક્યાં રમાય છે? બિલિયર્ડ જેવી રમતમાં શરીર કરતાં મગજની શક્તિ વધુ અગત્યની હોય છે. પરિણામ તું જોઈ શકે છે. મારી આપેલી ટ્રેનીંગ કામ આવી ગઈ : બુલોનો દીકરો કમલ બુલચંદાણી આજે વિશ્વ ચૅમ્પિયન છે! અમારા પરિવારનું નામ દુનિયામાં પ્રખ્યાત થઈ ગયું!"

મને વિચાર આવ્યો : જો તે દિ’ બુલોના માથા પર ફૂટબૉલ ભટકાયો ન હોત તો કમલ બિલિયર્ડમાં વર્લ્ડ ચૅમ્પિયન થયો હોત? 

ફૂટબૉલ, તારો મહિમા અપાર છે! 




No comments:

Post a Comment